
આસામની 2026ની વિધાનસભા ચૂંટણીમાં હિંમત બિસ્વા શર્માના નેતૃત્વમાં ભાજપે શાનદાર હેટ્રિક નોંધાવી છે. આ જીત માત્ર રાજકીય લહેર નહીં પરંતુ મજબૂત રણનીતિ, વિકાસકાર્ય અને જનતા સાથેના સીધા જોડાણનું પરિણામ છે. ચાલો જાણીએ તે 5 મુખ્ય કારણો, જેમણે ભાજપને ફરી સત્તા સુધી પહોંચાડ્યું.
આસામની 2026ની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે હિંમત બિસ્વા શર્માહવે માત્ર રાજકારણી નથી પરંતુ ઉત્તર-પૂર્વના રાજકારણમાં એક પ્રબળ શક્તિ બની ગયા છે. ભાજપે આસામમાં સતત ત્રીજી વખત જીત મેળવી છે, અને આ જીત પાછળ માત્ર કેન્દ્રની લોકપ્રિયતા નહીં પરંતુ સરમાની પોતાની અનોખી રાજકીય રણનીતિનો મોટો ફાળો છે.
લાગણીસભર જોડાણ “મામા”ની છબી
હિમંત બિશ્વા સરમાએ પોતાને જનતાથી નજીક લાવવા માટે એક અલગ રીત અપનાવી. આસામમાં લોકો તેમને “મામા” કહીને બોલાવે છે, જેનાથી તેઓ માત્ર નેતા નહીં પરંતુ પરિવારના સભ્ય જેવી લાગણી ઉભી કરે છે.
ખાસ કરીને મહિલાઓમાં આ છબી ખૂબ જ અસરકારક સાબિત થઈ. સરકારે શરૂ કરેલી Orunodoi 2.0 જેવી યોજનાઓથી સીધી આર્થિક મદદ મહિલાઓ સુધી પહોંચી જેના કારણે તેઓ સરકાર સાથે વધુ જોડાયેલી અનુભવતી થઈ. પરિણામે ઘરના મતદાનમાં મહિલાઓનો ઝુકાવ ભાજપ તરફ રહ્યો.
ઓળખ અને રાજકારણનું મિક્સર
આસામમાં ઘૂસણખોરી અને સ્થાનિક ઓળખના મુદ્દા હંમેશા મહત્વના રહ્યા છે. સરમાએ આ મુદ્દાઓને ખુલ્લેઆમ ઉઠાવ્યા અને “મિયા પોલિટિક્સ”ને રાજ્યની સંસ્કૃતિ માટે ખતરો તરીકે રજૂ કર્યું. તેમના નિવેદનો અને નીતિઓએ ખાસ કરીને સ્થાનિક અને હિંદુ મતદારોને એકસાથે લાવ્યા. આ વ્યૂહરચનાથી ચૂંટણીમાં મતદાનનું ધ્રુવીકરણ થયું અને ભાજપને સીધો ફાયદો મળ્યો.
કામ કરવાની શૈલી અને વિકાસ
હિમંત બિશ્વા સરમાની બીજી મોટી તાકાત તેમની કાર્યશૈલી રહી છે. તેઓ સતત સક્રિય રહેતા નેતા તરીકે જાણીતા બન્યા છે. રસ્તાઓ, હોસ્પિટલ અને રોજગાર જેવા ક્ષેત્રોમાં થયેલા કામને લોકો સુધી પહોંચાડવામાં તેઓ સફળ રહ્યા. ખાસ કરીને પારદર્શક રીતે નોકરીઓ આપવાના પ્રયાસોએ યુવાનોમાં વિશ્વાસ વધાર્યો. આ કારણે સત્તા વિરુદ્ધ અસંતોષ ઊભો થયો નહીં.
વિપક્ષની નબળાઈ
આ ચૂંટણીમાં કોંગ્રેસ પોતાનો પ્રભાવ બતાવવામાં નિષ્ફળ રહી. ગૌરવ ગોગોઈ મુખ્ય ચહેરા તરીકે આગળ આવ્યા પરંતુ તેમની અસર જમીન સ્તરે મર્યાદિત રહી. પાર્ટીના આંતરિક મતભેદ અને ગઠબંધનની ગેરહાજરીએ પણ નુકસાન પહોંચાડ્યું. બીજી તરફ ભાજપે દરેક મુદ્દાને પોતાના પક્ષમાં વાળવામાં સફળતા મેળવી.
એક નવા રાજકીય મોડલની સ્થાપના
આસામની ચૂંટણીમાં હિમંત બિશ્વા સરમાએ એક નવો ફોર્મ્યુલા રજૂ કર્યો વિકાસ, ઓળખ અને લાગણીનું સંયોજન. આ ત્રણેય તત્વોને જોડીને તેમણે એવી મજબૂત સ્થિતિ બનાવી કે વિપક્ષ માટે તેનો મુકાબલો કરવો મુશ્કેલ બની ગયો છે. આ જીત સાથે આસામમાં સરમાનો પ્રભાવ વધુ મજબૂત થયો છે. હવે રાજ્યની રાજનીતિમાં તેમની ભૂમિકા લાંબા સમય સુધી મહત્વપૂર્ણ રહેશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
