
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) કેમ્પસમાં ગુજરાતી હાસ્ય સાહિત્ય માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ અને હાસ્ય લેખક હર્ષદ પંડ્યાના પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) કેમ્પસ ખાતે આજે ગુજરાતી હાસ્ય સાહિત્યને સમર્પિત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ અને હાસ્ય લેખક હર્ષદ પંડ્યાના નવા પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા અને જાણીતા લેખક અશોક દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં બંને પુસ્તકોનું વિધિવત્ વિમોચન કરવામાં આવ્યું હતું.

“My Vision Beyond The Horizon”
કાર્યક્રમ દરમિયાન શાહબુદ્દીન રાઠોડના અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયેલા “My Vision Beyond The Horizon” નામના હાસ્ય પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ હાસ્ય લેખક હર્ષદ પંડ્યાના નવા પુસ્તક “હાસ્યોપનિષદ”નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. બંને પુસ્તકોને ઉપસ્થિત સાહિત્યપ્રેમીઓ અને વાચકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો.
તુષાર મહેતાનો વિચાર
આ પ્રસંગે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ગુજરાતી હાસ્ય સાહિત્ય અને કલાકારો અંગે મહત્વપૂર્ણ વિચાર વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આપણે ઘણી વખત વિદેશ અને વિદેશી ઘટનાઓથી પ્રભાવિત થઈએ છીએ, પરંતુ આપણા આસપાસ રહેલી પ્રતિભાઓ અને સર્જનોને પૂરતું મહત્વ આપતા નથી. તેમણે કહ્યું કે ગુજરાતમાં અનેક એવા હાસ્ય કલાકારો અને લેખકો છે, જેઓ વિશ્વસ્તરે પ્રસિદ્ધિ મેળવી શકે તેવી ક્ષમતા ધરાવે છે.
ગુજરાતી હાસ્ય સાહિત્યને વૈશ્વિક સ્તરે જે ઓળખ મળવી જોઈએ
તુષાર મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે ભાષાંતર અને ભાવાનુવાદની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ગુજરાતી હાસ્ય સાહિત્યને વૈશ્વિક સ્તરે જે ઓળખ મળવી જોઈએ તે મળી શકી નથી. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી નોબેલ પુરસ્કાર મેળવનાર મોટાભાગના સાહિત્યકારોના સર્જનો અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ રહ્યા છે. તેથી હવે એવી નવી પેઢી તૈયાર કરવાની જરૂર છે, જે ગુણવત્તાસભર ભાવાનુવાદ કરી શકે અને ગુજરાતી હાસ્ય સાહિત્યને વિશ્વના દરેક ખૂણે પહોંચાડી શકે.
કાર્યક્રમમાં શાહબુદ્દીન રાઠોડે પણ પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અંગ્રેજી ભાષામાં પોતાનું પુસ્તક પ્રકાશિત થવું તેમના માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુજરાતી હાસ્ય સાહિત્યના વિકાસ, વૈશ્વિક ઓળખ અને નવી પેઢીને વાંચન તરફ પ્રેરિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય અને હાસ્ય ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન સાબિત થયો હતો.
હાસ્ય લેખક હર્ષદ પંડ્યાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતી વાચકોનો સ્વભાવ મૂળભૂત રીતે વેપારી છે, જેના કારણે ઘણા લોકો પુસ્તકો ખરીદવામાં સંકોચ અનુભવતા હોય છે. તેમના જણાવ્યા અનુસાર 100માંથી માત્ર 25 ટકા લોકો જ સ્વખર્ચે પુસ્તકો ખરીદે છે. તેમણે કહ્યું કે તેમની ઈચ્છા છે કે ભારતના અન્ય રાજ્યો અને વિદેશના લોકો પણ ગુજરાતી પુસ્તકો વાંચે. હર્ષદ પંડ્યાએ જણાવ્યું કે “હાસ્યોપનિષદ” તેમનું 12મું હાસ્ય પુસ્તક છે અને તેમાં જીવનના કડવા અનુભવોને હાસ્યરૂપે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
