Friday, June 19News That Matters

મનોરંજન / રહસ્ય અને થ્રિલથી ભરપૂર ‘દૃશ્યમ 3’ની OTT રિલીઝ ડેટ આવી સામે

મોહનલાલની ફિલ્મ ‘દૃશ્યમ 3’ હવે થિયેટર બાદ OTT પર રિલીઝ થવા જઈ રહી છે. દર્શકો માટે આ એક મોટું અપડેટ છે કારણ કે હવે તેઓ આ સુપરહિટ સસ્પેન્સ થ્રિલર ઘરે બેસીને જોઈ શકશે.

મોહનલાલની બહુચર્ચિત ફિલ્મ ‘દૃશ્યમ 3’ હવે થિયેટરમાં સફળ રન પૂર્ણ કરીને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ સમાચારથી ફિલ્મપ્રેમીઓમાં ફરી એકવાર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે દૃશ્યમ સિરીઝ હંમેશા તેના જબરદસ્ત સસ્પેન્સ અને અચાનક આવતા ટ્વિસ્ટ માટે જાણીતી રહી છે.

આ ફિલ્મ જીતુ જોસેફના દિગ્દર્શનમાં બની છે અને મોહનલાલ મુખ્ય ભૂમિકામાં છે. ‘દૃશ્યમ’ ફ્રેન્ચાઇઝી પહેલેથી જ સાઉથ ઈન્ડિયન સિનેમાની સૌથી સફળ ક્રાઈમ થ્રિલર સિરીઝમાંથી એક ગણાય છે. દરેક ભાગમાં જેમ વાર્તા ધીમે ધીમે ખુલતી જાય છે અને અંતે મોટો ટ્વિસ્ટ આવે છે, તેવી જ અપેક્ષા દર્શકોને આ ત્રીજા ભાગમાંથી પણ હતી અને ફિલ્મે તે અપેક્ષા પૂરી પણ કરી છે. થિયેટરમાં રિલીઝ થતા જ ફિલ્મે સારી ઓપનિંગ મેળવી હતી અને લાંબા સમય સુધી દર્શકોને ખેંચી રાખ્યા હતા.

ફિલ્મ 21 મે, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને લગભગ એક મહિના જેટલા થિયેટ્રિકલ રન પછી હવે તેનું પ્રદર્શન પૂર્ણ થયું છે. આ દરમિયાન ફિલ્મે દર્શકો અને ક્રિટિક્સ બંને તરફથી સારો પ્રતિસાદ મેળવ્યો હતો. ખાસ કરીને મોહનલાલનો અભિનય, ફિલ્મની સ્ટોરીટેલિંગ સ્ટાઈલ અને અંતના ટ્વિસ્ટ્સને ખૂબ વખાણવામાં આવ્યા હતા. હવે ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર આવવાથી તેની પહોંચ વધુ વધી જશે.

OTT રિલીઝ વિશે વાત કરીએ તો ‘દૃશ્યમ 3’ 18 જૂન, 2026થી રાત્રે 12 વાગ્યા પછીથી Amazon Prime Video પર સ્ટ્રીમ થશે. એટલે કે પ્રાઈમ વીડિયો સબ્સ્ક્રિપ્શન ધરાવતા દર્શકો તેને પોતાના મોબાઇલ, ટીવી અથવા લેપટોપ પર ક્યારે પણ જોઈ શકશે. થિયેટરમાં જે લોકો આ ફિલ્મ ચૂકી ગયા હતા તેમના માટે હવે આ સારો મોકો છે કે તેઓ ઘરે બેસીને આ સસ્પેન્સથી ભરપૂર કહાનીનો આનંદ લઈ શકે.

બોક્સ ઓફિસ પર ફિલ્મનું પ્રદર્શન પણ નોંધપાત્ર રહ્યું છે. 28 દિવસના થિયેટર રન દરમિયાન ફિલ્મે ભારતમાં લગભગ 110.13 કરોડ રૂપિયા જેટલી કુલ કમાણી કરી છે. શરૂઆતના દિવસોમાં ફિલ્મે મજબૂત કલેક્શન કર્યું હતું, પરંતુ પછીના અઠવાડિયાઓમાં કમાણી ધીમી પડી ગઈ હતી અને દૈનિક આવક લગભગ 15 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. તેમ છતાં કુલ મળીને ફિલ્મને સફળ ગણવામાં આવી રહી છે અને દૃશ્યમ ફ્રેન્ચાઇઝીની લોકપ્રિયતા ફરી એકવાર સાબિત થઈ છે.

‘દૃશ્યમ 3’ પ્લોટ

આ મલયાલમ ફિલ્મ ‘દૃશ્યમ’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી અને અંતિમ કડી છે જેમાં મોહનલાલ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની કહાની ‘દૃશ્યમ 2’ પૂરી થયા પછી લગભગ સાડા ચાર વર્ષ બાદ આગળ વધે છે. જ્યોર્જકુટ્ટીને લાગે છે કે તે હવે સિસ્ટમથી આગળ નીકળી ગયો છે, પરંતુ તેના વિરુદ્ધ ફરી એક નવી તપાસ શરૂ થાય છે. પોલીસને કેટલાક મહત્વના પુરાવા અને સૂત્રો મળે છે જેના કારણે કેસ ફરીથી ખૂલે છે. ત્યારબાદ પોલીસ સત્ય સુધી પહોંચવા અને જ્યોર્જકુટ્ટીના બનાવેલા રહસ્યોના જાળને તોડવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે. બીજી તરફ જ્યોર્જકુટ્ટી ફરી પોતાની બુદ્ધિ અને ચાલાકીથી પરિવારને બચાવવા માટે નવી રણનીતિ બનાવે છે અને આખરે આ લાંબા સમયથી ચાલતી કહાનીને એક નવું અને ચોંકાવનારું અંત આપે છે.

‘દૃશ્યમ 3’ કાસ્ટ

આ ફિલ્મમાં મોહનલાલ જ્યોર્જકુટ્ટીના મુખ્ય પાત્રમાં જોવા મળે છે, જ્યારે મીના રાની જ્યોર્જની ભૂમિકા ભજવે છે. અંસીબા હસન અંજુ જ્યોર્જનો રોલ કરે છે અને એસ્થર અનિલ અનુ જ્યોર્જના પાત્રમાં જોવા મળે છે. આ ફિલ્મનું નિર્માણ એન્ટોની પેરુમ્બાવૂર દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું દિગ્દર્શન જીતુ જોસેફે કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *