
NTA એ 21 જૂનની NEET-UG પુનઃપરીક્ષા માટે ઓફિશિયલ વોટ્સએપ ચેનલ શરૂ કરી છે. આનાથી વિદ્યાર્થીઓને સચોટ માહિતી મળશે અને અફવાઓથી બચી શકાશે.
મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UGને લઈને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા એક મહત્વનો નિર્ણય લીધો છે. આગામી 21 જૂનના રોજ યોજાનારી NEET-UGની પુનઃપરીક્ષામાં સામેલ થઈ રહેલા લાખો વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારની અફવાનો ભોગ ન બને તે માટે NTA એ ઓફિશિયલ વોટ્સએપ ચેનલની શરૂઆત કરી છે. આ ચેનલના માધ્યમથી પરીક્ષાર્થીઓને પરીક્ષા સંબંધિત તમામ સચોટ અને સત્તાવાર વિગતો સીધી તેમના મોબાઈલ પર મળી રહેશે.
શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગેની માહિતી આપતા NTA એ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે આ ડિજિટલ સેવાની શરૂઆત કરવામાં આવી છે.
બ્લુ ટિક અને વેરિફાઇડ નંબર તપાસવો જરૂરી
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને સચેત કરતા સ્પષ્ટ કર્યું છે કે, એજન્સી તરફથી મોકલવામાં આવતા તમામ સત્તાવાર વોટ્સએપ મેસેજ માત્ર એક જ વેરિફાઇડ નંબર પરથી મોકલવામાં આવશે.
NTAનો વેરિફાઇડ વોટ્સએપ નંબર: +91-7827980287
વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોઈપણ સંદેશ પર વિશ્વાસ કરતા પહેલા વોટ્સએપ પર દેખાતા બ્લુ ટિક અને NTAના ઓફિશિયલ નામને ચકાસી લે.
એડમિટ કાર્ડને લઈને મહત્વની સ્પષ્ટતા
NTA દ્વારા સોશિયલ મીડિયા પર એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જે ઉમેદવારોએ 21 જૂનની પરીક્ષા માટે પોતાના નવા પ્રવેશ-પત્ર (Admit Card) ડાઉનલોડ કરી લીધા છે, તેમણે ફરીથી તેને ડાઉનલોડ કરવાની કોઈ જરૂર નથી.
હાલમાં એજન્સી દ્વારા SMS, ઈ-મેઈલ અને વોટ્સએપના માધ્યમથી માત્ર એવા જ વિદ્યાર્થીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે, જેમણે હજી સુધી પોતાના નવા એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા નથી. એજન્સીના આંકડા અનુસાર, નીટ-યુજી માટે આ વર્ષે અંદાજે 22 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 20 લાખ જેટલા વિદ્યાર્થીઓએ 21 જૂનની પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે.
જૂનના એડમિટ કાર્ડ માન્ય નહીં ગણાય
પરીક્ષાર્થીઓ માટે સૌથી મહત્વના સમાચાર એ છે કે, ગત 3 મેના રોજ યોજાયેલી પરીક્ષા માટે જાહેર કરાયેલા જૂના એડમિટ કાર્ડ 21 જૂનની પરીક્ષામાં માન્ય રાખવામાં આવશે નહીં. 3 મેની પરીક્ષા રદ થયા બાદ NTA એ વિદ્યાર્થીઓને તેમના મનપસંદ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો પસંદ કરવાનો વિકલ્પ આપ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ સુવિધાનો લાભ લીધો હોવાથી ઘણા ઉમેદવારોને નવા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. તેથી, દરેક વિદ્યાર્થીએ નવું એડમિટ કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે.
ઓફિશિયલ SMS આઈડી અને ઈ-મેઈલ એડ્રેસ નોંધી લો
- વિદ્યાર્થીઓ છેતરપિંડીનો ભોગ ન બને તે માટે NTA એ ઓફિશિયલ કમ્યુનિકેશન આઈડી પણ જાહેર કર્યા છે:
- ઓફિશિયલ સેન્ડર SMS ID: NICPEP (આ જ આઈડી પરથી સાચા એસએમએસ આવશે)
- ઓફિશિયલ ઈ-મેઈલ આઈડી: no-reply.neet.nta@nic.in
- આ સમગ્ર પ્રક્રિયા માટે માત્ર [http://neet.nta.nic.in](http://neet.nta.nic.in) જ સત્તાવાર પોર્ટલ છે. ઉમેદવારોને સર્ચ એન્જિનના બદલે સીધો આ યુઆરએલ (URL) બ્રાઉઝરમાં ટાઈપ કરીને જ લોગઈન કરવાની સલાહ અપાઈ છે.
- વોટ્સએપ પર સામેથી કોઈ જવાબ આપી શકાશે નહીં
- NTA એ સ્પષ્ટતા કરી છે કે આ વોટ્સએપ સુવિધા માત્ર બ્રોડકાસ્ટ-ઓન્લી ચેનલ છે. એટલે કે એજન્સી માત્ર માહિતી મોકલી શકશે, વિદ્યાર્થીઓ સામેથી કોઈ જવાબ આપી શકશે નહીં.
- સૌથી મહત્વની ચેતવણી: NTA ક્યારેય પણ વોટ્સએપ પર વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ઓટીપી (OTP), વ્યક્તિગત વિગતો કે બેંક પેમેન્ટની માંગણી કરતું નથી. જો કોઈ વ્યક્તિ NTA ના નામે આવી માહિતી માંગે, તો સમજી લેવું કે તે મેસેજ તદ્દન નકલી છે.
