
અમદાવાદ: 26 મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ અમદાવાદમાં આતંકી ફફડાટ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરની જાણીતી સંત કબીર સ્કૂલ સહિત અનેક શાળાઓને ઈમેઈલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાઈ છે.
ખાલિસ્તાની માનસિકતા અને રાષ્ટ્રવિરોધી લખાણ
‘Deloar Deloar’ નામના આઈડી પરથી મોકલવામાં આવેલા આ મેઈલમાં અત્યંત ભયાનક અને રાષ્ટ્રવિરોધી વાતો લખવામાં આવી છે. મેઈલમાં ધમકી આપવામાં આવી છે કે 26 મી જાન્યુઆરીએ શાળાઓમાં ભારતીય તિરંગો લહેરાવવામાં ન આવે. ધમકી આપનારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ‘ખાલિસ્તાનના દુશ્મન’ ગણાવી તેમને ટાર્ગેટ કરવાની વાત કરી છે. મેઈલના વિષયમાં રાત્રે ૧૧ વાગ્યે બોમ્બ બ્લાસ્ટ કરવાની અને ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ જેવા સૂત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શહેરની અલગ-અલગ શાળાઓને એક સત્તાવાર ઈ-મેઈલ મળ્યો હતો, જેમાં શાળાઓમાં વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ મેઈલની તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે.
- ખાલિસ્તાની લખાણ: મેઈલમાં ખાલિસ્તાન સમર્થિત વાતો અને લખાણ લખવામાં આવ્યું છે.
- VVIP ટાર્ગેટ: ધમકીભર્યા પત્રમાં ૨૬મી જાન્યુઆરીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટાર્ગેટ કરવામાં આવશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સાયબર ક્રાઈમની કાર્યવાહી
અમદાવાદ સાયબર ક્રાઈમના પીએસઆઈ જે.ડી. રાઠોડે આ મામલે ફરિયાદ દાખલ કરી છે. 23 જાન્યુઆરીના રોજ સવારે 7.24 કલાકે આ મેઈલ મોકલવામાં આવ્યા હતા, જેની જાણ થતા જ પોલીસ કાફલો એક્શનમાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ એક પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું હોવાનું જણાઈ રહ્યું છે, જેનો હેતુ લોકોમાં ભય અને ગભરાટ પેદા કરવાનો છે.

સુરક્ષા સઘન કરાઈ
પ્રજાસત્તાક પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા શહેરની તમામ મુખ્ય શાળાઓ અને જાહેર સ્થળો પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. આ ફેક ઈમેઈલ પાછળ કોણ છે અને તેની કડીઓ ક્યાં જોડાયેલી છે તે દિશામાં સાયબર નિષ્ણાતો ટેકનિકલ તપાસ કરી રહ્યા છે.
