
સુરતમાં શેરબજારના નામે 42.48 લાખની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસે બંધન બેંક અને ઈન્ડસઇન્ડ બેંકના મેનેજર સહિત 3ની ધરપકડ કરી.
Surat News: સુરતમાં શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતી ટોળકી સાયબર સેલના જાળમાં ફસાઈ છે. બંધન બેંકના સેલ્સ મેનેજર અને ઈન્ડસઇન્ડ બેંકના મેનેજર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 10 ટકા નફાની લાલચ આપીને 42.48 લાખની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. સાયબર સેલે રાહુલ મિસ્ત્રી, મિલન સાંગાણી અને ઉર્વિશ નસીતને ધરપકડ કરી છે. આરોપીઓએ સિટીલાઇટ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત કર્મચારી સાથે છેતરપિંડી કરી હતી.
શેરબજારના નામે છેતરપિંડી
માહિતી પ્રમાણે, આરોપીઓએ શેરબજારમાં 10 ટકા નફાની લાલચ આપીને છેતરપિંડી કરતાં હતા. નફાની લાલચમાં આવીને પીડિતે પણ 42.48 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ રોકાણ કરવાને બદલે આરોપીઓએ આ રકમ હડપ કરી લીધી હતી. તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે બેંકના મેનેજરને આ છેતરપિંડીમાં 60 હજાર રૂપિયાની રકમ મળી હતી. બેંક મેનેજરોએ જ આ ગુનામાં મદદ કરી હોવાનું જાણવા મળ્યું છે.

50થી વધુ કરંટ ખાતા ખોલાવ્યા
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, આ ટોળકીએ એજન્ટો મારફતે 50થી વધુ કરંટ ખાતાઓ ખોલાવ્યા હોવાની આશંકા છે. આ કરંટ ખાતાઓમાં સાયબર ફ્રોડની કરોડો રૂપિયાની રકમ આવી હોવાના સંકેત મળી રહ્યા છે. સાયબર સેલ હવે આ ખાતાઓની વિગતો મેળવી રહી છે અને કેટલા લોકો સાથે આવી રીતે છેતરપિંડી કરવામાં આવી છે તે તપાસ કરી રહી છે. પોલીસનું માનવું છે કે આ ટોળકી લાંબા સમયથી આવી છેતરપિંડી કરતી હતી અને સાયબર ફ્રોડની રકમ આ ખાતાઓમાં જમા કરાવતી હતી.
બેંક મેનેજરોની મિલીભગત
આ કેસમાં સૌથી ગંભીર બાબત એ છે કે બંધન બેંક અને ઈન્ડસઇન્ડ બેંકના મેનેજરોએ જ આ છેતરપિંડીમાં સહયોગ કર્યો હતો. સાયબર સેલે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ વધુ સંડોવાયેલા લોકોની શોધખોળ કરી રહી છે.
