
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા દિવ્યપથ હાઇસ્કૂલ સામે કાર્યવાહી કરતા એક લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી છે. શાળાએ પોતાના પર્સનલ કાર્યક્રમ માટે પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવા દરમિયાન AMCની ફુટપાથ અને રોડને નુકસાન પહોંચાડ્યાનું સામે આવ્યું છે.
માહિતી અનુસાર, દિવ્યપથ હાઇસ્કૂલ દ્વારા ત્રણ દિવસના કાર્યક્રમ માટે પાર્કિંગની સુવિધા ઉભી કરવા માટે અમ્યુકોની કોઇપણ પ્રકારની સત્તાવાર મંજૂરી લીધા વિના જ મજબૂત કરબીવાળી ફુટપાથ તોડી કાઢવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રોડને પણ નુકસાન પહોંચાડાયું હતું. ત્યારબાદ ગોકુળ ફ્લેટ્સ એન્ડ રોહાઉસને અડીને આવેલા કોર્પોરેશનના પ્લોટમાં શાળાએ પોતાની રીતે પાર્કિંગ વ્યવસ્થા કરી દીધી હતી.
મામલો સામે આવતા AMC દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને નિયમોના ઉલ્લંઘન બદલ શાળાને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. AMCએ દિવ્યપથ હાઇસ્કૂલને ત્રણ દિવસની અંદર નારણપુરા વોર્ડ ઓફિસ ખાતે પેનલ્ટી જમા કરાવવાનો આદેશ આપ્યો છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં દંડ ભરવામાં નહીં આવે તો આગળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
