
RSS Course: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)એ શિક્ષણક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ પહેલ કરી છે. યુનિવર્સિટીએ તેના નવા અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર આધારિત વિષયોનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. આ બદલાવનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આધુનિક ભારતના સામાજિક અને રાજકીય પરિપ્રેક્ષ સાથે વધુ નજીકથી જોડવાનો છે.
વડાપ્રધાન મોદીના નેતૃત્વ
સમાજશાસ્ત્ર વિભાગ હેઠળ વિદ્યાર્થીઓ હવે RSSના ઇતિહાસ, તેની વિચારધારા અને સમાજમાં તેના યોગદાન વિશે વિગતવાર અભ્યાસ કરશે. સાથે જ “મોદી તત્વ” નામના વિશેષ વિષય દ્વારા વિદ્યાર્થીઓ વડાપ્રધાન મોદીના નેતૃત્વ, નિર્ણાયક ક્ષમતા અને “મેક ઇન ઇન્ડિયા” જેવા અભિયાનોના સામાજિક પ્રભાવનું વિશ્લેષણ કરશે.
પડકારો માટે તૈયાર કરવામાં સહાય કરશે
આ ઉપરાંત, અભ્યાસક્રમમાં વીર સાવરકર, મહર્ષિ અરવિંદ અને ડૉ. બી.આર. આંબેડકર જેવા મહાન વ્યક્તિત્વોના વિચારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના સુશાસન મોડેલ પર પણ ખાસ ભાર મુકાયો છે. રાષ્ટ્રવાદ અને રાજ્યની સંકલ્પનાઓ પર કેન્દ્રિત પાઠ્યક્રમ વિદ્યાર્થીઓને વિશ્લેષણાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવામાં મદદરૂપ બનશે. યુનિવર્સિટી વહીવટના જણાવ્યા મુજબ, આ નવા વિષયો વિદ્યાર્થીઓને વર્તમાન પરિસ્થિતિને સમજવામાં અને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરવામાં સહાય કરશે. આ પગલું શિક્ષણમાં નવી દિશા આપશે કે નહીં, તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે.
