
Gujarat Weather: ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ગામડા વિસ્તારમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમરેલી, જૂનાગઢ જેવા વિસ્તારમાં ગરમી પહેલા એટલી પડતી ના હતી. પરંતુ હવે મહાનગરોની જેમ આ ગીરના વિસ્તારોમાં પણ ભારે ગરમી પડવા લાગી છે. આવો જાણીએ ત્યારે આગામી દિવસોમાં કેવું રહેશે ગુજરાતનું હવામાન.
હવામાન વિભાગની તાજી આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ ગરમીમાં ખાસ રાહત મળવાની શક્યતા નથી. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસને પાર જઈ રહ્યું છે, જેના કારણે દૈનિક જીવન પર પણ અસર પડી રહી છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં ગરમીની તીવ્રતા વધતા હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઉકળાટ રહેશે. મોટા ભાગના વિસ્તારમાં 40થી 43 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના.
સાવચેતી રાખવાની સલાહ
રાજ્યના અન્ય શહેરો જેમ કે રાજકોટ, સુરત, વડોદરા અને સુરેન્દ્રનગરમાં પણ ગરમીનો પારો સતત ઊંચો જ રહ્યો છે. અમદાવાદમાં 43.2 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી, રાજકોટમાં 43 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે. નાગરિકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવા, વધુમાં વધુ પાણી પીવા અને સીધી સૂર્યકિરણોથી બચવા સૂચના આપવામાં આવી છે. ડોક્ટરો પણ ગરમીને લઈને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.
