Friday, June 19News That Matters

એક જ દિવસે 6 લોકોને ભર્યા બચકા, ચોંકાવનારી ઘટના ક્યાં બની?

Dahod Dog Attack: રાજ્યમા રખડતાં શ્વાનનો આતંક દિવસે દિવસે વધતો જોવ મળી રહ્યો છે. ધોળા દિવસે શ્વાન ખુલ્લા રસ્તા પર બેફાર રીતે ફરી રહ્યા છે. રસ્તા પર ચાલતા રાહદારીઓ પર હુમલો કરી દેતા હોય છે. દાહોદ શહેરમાં રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનોનો ભયંકર ત્રાસ સામે આવ્યો છે. શહેરના ભરચક ગણાતા સ્ટેશન રોડ અને આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનોએ આતંક મચાવતા સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. રવિવારે બનેલી શ્રેણીબદ્ધ ઘટનાઓમાં એક જ દિવસમાં અડધો ડઝન જેટલા લોકો શ્વાન કરડવાનો શિકાર બન્યા છે. શહેરના મારવાડી ચાલ અને બસસ્ટેશનની પાસે એક જ દિવસમાં 6 લોકોને બચકા ભર્યા હતા. રસ્તા પર ચાલતા વૃદ્ધ સહિત અનેક યુવકને અને મહિલાને શ્વાને ઘાયલ કર્યા હતા. ત્યાર બાદ તમામ ઇજાગ્રસ્તોને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કે રસ્તા પર રખડતાં શ્વાનનો આતંક ક્યારે શાંત થશે.

તંત્રની કામગીરી સામે ઉઠતા સવાલો

શહેરમાં શ્વાનોની વધતી જતી સંખ્યા અને તેમના દ્વારા કરવામાં આવતા હુમલાઓને પગલે નગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા દ્વારા સત્વરે શ્વાનોને પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવે અને તેમના ખસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. ખાસ કરીને શાળાએ જતાં બાળકો અને રાત્રિના સમયે અવરજવર કરતા લોકો માટે આ પરિસ્થિતિ વધુ જોખમી બની રહી છે. જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના ઘટવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *