
સુરતના વરાછામાં બેંક લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે. લૂંટારૂઓને આશરો આપનારા આરોપીની ધરપકડ કરી છે.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં થયેલી ચોંકાવનારી લૂંટકાંડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે લૂંટારુઓને આશરો આપનાર ત્રીજા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.

અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં શુભમ કુમાર ઠાકુર અને વિકાસસિંહનો સમાવેશ થાય છે.

બે મહિનાથી લૂંટની તૈયારી કરી રહ્યા
તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપીઓ છેલ્લા બે મહિનાથી લૂંટની તૈયારી કરી રહ્યા હતા અને બેંકની વિગતવાર રેકી કરતા હતા. તેઓ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ઓછા અવરજવરવાળા વિસ્તારને ધ્યાનમાં રાખીને તેમણે SBI બેંકને નિશાન બનાવી હતી.
ગત 27 એપ્રિલના રોજ કુલ 7 લૂંટારુઓએ આ લૂંટને અંજામ આપ્યો હતો અને આશરે 50 લાખ રૂપિયાની રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી હતી.
હાલમાં પોલીસે બાકી રહેલા આરોપીઓની શોધખોળ તેજ બનાવી છે અને ટૂંક સમયમાં તમામ આરોપીઓને પકડી પાડવાની આશા વ્યક્ત કરી છે.
