
ઇમ્પોર્ટ ડ્યુટી વધાર્યા પછી સોનું અને ચાંદીના ભાવમાં તેજી આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી દેશના લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી રહ્યા હતા. હવે સરકારે બુધવારથી સોનું અને ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી છે જેના કારણે સોનાના ભાવમાં અચાનક લગભગ 11,000 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે.
સોનું અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સરકારના એક નિર્ણય બાદ આ કિંમતી ધાતુઓના ભાવમાં ભારે વધારો થયો છે. બુધવારે MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનાના ભાવમાં અચાનક 10 ગ્રામ દીઠ 11,000 રૂપિયાથી વધુનો ઉછાળો આવ્યો જ્યારે ચાંદીનો ભાવ પણ ઝડપથી વધી 3 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઉપર પહોંચી ગયો.
આ તેજીનું મુખ્ય કારણ એ છે કે સરકારે સોનું, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી (કસ્ટમ ડ્યૂટી) વધારી દીધી છે. અગાઉ આ ડ્યૂટી 6 ટકા હતી જેને હવે સીધી વધારીને 15 ટકા કરવામાં આવી છે જેના કારણે બજારમાં ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.
સોનું એક જ ઝાટકામાં 11,000 રૂપિયા મોંઘુ
સરકારના ગોલ્ડ ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવાના નિર્ણયનો સીધો અસર કોમોડિટી માર્કેટમાં જોવા મળ્યો છે. MCX પર 5 જૂનની એક્સપાયરીવાળો 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ મંગળવારે 1,53,442 રૂપિયા પર બંધ થયો હતો પરંતુ બુધવારે ફ્યુચર ટ્રેડિંગ શરૂ થતાં જ સોનાનો ભાવ અચાનક વધીને 1,64,497 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો. એટલે કે લગભગ 7% જેટલો વધારો થયો અને આ ગણતરી મુજબ 10 ગ્રામ સોનું એક જ ઝટકામાં લગભગ 11,055 રૂપિયા મોંઘું થઈ ગયું.
ચાંદીના ભાવ પણ સોનાની જેમ જ ઝડપથી વધી રહ્યા છે. MCX પર 3 જુલાઈની એક્સપાયરીવાળી ચાંદીનો ભાવ બુધવારે એક સમયે 3 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામથી પણ ઉપર પહોંચી ગયો. અગાઉના દિવસે ચાંદી 2,79,062 રૂપિયા પર બંધ થઈ હતી, પરંતુ ઓપનિંગ સાથે જ તેમાં ભારે ઉછાળો આવ્યો અને ભાવ 3,01,429 રૂપિયા સુધી પહોંચી ગયો. એટલે કે એક જ ઝટકામાં ચાંદી લગભગ 22,367 રૂપિયા મોંઘી થઈ ગઈ.
હાઈથી હવે કેટલું સસ્તુ ગોલ્ડ સિલ્વર?
જો સોનું અને ચાંદીના ભાવને તેમના લાઈફટાઈમ હાઈ સાથે સરખાવીએ તો સોનું હજી પણ તેના જાન્યુઆરીના રેકોર્ડ હાઈ 2,02,984 રૂપિયા પ્રતિ 10 ગ્રામ કરતાં લગભગ 38,487 રૂપિયા સસ્તુ છે. બીજી તરફ ચાંદીનું લાઈફટાઈમ હાઈ 4,57,328 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે અને હાલનો ભાવ તેના કરતાં લગભગ 1,55,899 રૂપિયા ઓછો છે.
સરકારે વધારી ઈમ્પોર્ટ ડ્યૂટી
સરકારે સોનું સહિત અન્ય કિંમતી ધાતુઓ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં મોટો વધારો કર્યો છે. હવે ગોલ્ડ ઇમ્પોર્ટ ડ્યૂટી 6% થી વધારીને 15% કરી દેવામાં આવી છે. તેમાં બેઝિક કસ્ટમ ડ્યૂટી 5% થી વધારીને 10% કરવામાં આવી છે અને AIDC (એગ્રીકલ્ચર ઇન્ફ્રા એન્ડ ડેવલપમેન્ટ સેસ) 1% થી વધારીને 5% કરવામાં આવ્યો છે. અગાઉ 2024ના બજેટમાં જે ડ્યૂટી ઘટાડવામાં આવી હતી, તેને ફરીથી વધારી દેવામાં આવી છે જેના કારણે સોનું-ચાંદીની આયાત મોંઘી થઈ ગઈ છે.
