Friday, June 19News That Matters

નેશનલ / ક્રૂડ ઓઈલમાં ઉછાળો વચ્ચે એર ઈન્ડિયાનું મોટું પગલું, PM મોદીની અપીલ બાદ લીધો નિર્ણય

ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને રૂપિયાના ઘટતા મૂલ્ય વચ્ચે એર ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની સંખ્યામાં ઘટાડો કર્યો છે. વડાપ્રધાન મોદીની વિદેશ પ્રવાસ ઘટાડવાની અપીલ અને તેલના ભાવ પ્રતિ બેરલ 107 ડોલર સુધી પહોંચતા એરલાઈન્સે હવે દર મહિને 1,200 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ચલાવવાનો નિર્ણય લીધો છે.

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવ અને ભારતીય અર્થતંત્ર પર વધી રહેલા દબાણને જોતા એર ઈન્ડિયાએ (Air India) તેના આંતરરાષ્ટ્રીય કામગીરીમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. એરલાઈન્સે અનેક રૂટો પર ફ્લાઈટ્સની સંખ્યામાં એડજસ્ટમેન્ટ કર્યું છે, જેનો સીધો સંબંધ વધતા સંચાલન ખર્ચ અને રાષ્ટ્રીય હિતો સાથે જોડાયેલો છે.

PM મોદીની અપીલ અને અર્થતંત્રની સ્થિતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અને વિદેશ પ્રવાસોમાં ઘટાડો કરવા અપીલ કરી હતી. આ અપીલ પાછળનું મુખ્ય કારણ ભારતીય રૂપિયાનું અવમૂલ્યન અટકાવવાનું છે. હાલમાં ડોલર સામે રૂપિયો 95 ના સ્તરને પાર કરી ચૂક્યો છે અને તે ઝડપથી 96 ની સપાટી તરફ વધી રહ્યો છે. વિદેશી હૂંડિયામણ બચાવવા અને અર્થતંત્ર પરનું દબાણ ઘટાડવા માટે પ્રવાસોમાં કાપ મૂકવો અનિવાર્ય બન્યો છે.

એર ઈન્ડિયાનું નવું શિડ્યુલ

એર ઈન્ડિયાએ સત્તાવાર રીતે તેના આંતરરાષ્ટ્રીય નેટવર્કને રિ-સ્ટ્રક્ચર કરવાની જાહેરાત કરી છે. એરલાઈન્સ ઓગસ્ટ 2026 સુધી દર મહિને 1,200 થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું સંચાલન ચાલુ રાખશે. પાંચ મહાદ્વીપોમાં ફેલાયેલા આ નેટવર્કમાં સાપ્તાહિક ફ્લાઈટ્સની વિગત નીચે મુજબ છે:

  • ઉત્તર અમેરિકા: દર અઠવાડિયે 33 ફ્લાઈટ્સ
  • યુરોપ: દર અઠવાડિયે 47 ફ્લાઈટ્સ
  • યુનાઈટેડ કિંગડમ (UK): દર અઠવાડિયે 57 ફ્લાઈટ્સ
  • ઓસ્ટ્રેલિયા: દર અઠવાડિયે 08 ફ્લાઈટ્સ
  • દક્ષિણ-પૂર્વ એશિયા, ફાર ઈસ્ટ અને SAARC: દર અઠવાડિયે 158 ફ્લાઈટ્સ
  • મોરિશિયસ (આફ્રિકા): દર અઠવાડિયે 07 ફ્લાઈટ્સ

તેલના ભાવમાં વધારો અને ઈરાન-અમેરિકા તણાવ

એરલાઈન્સ ઉદ્યોગ હાલમાં સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષ તેમજ હોર્મુઝની સામુદ્રધૂની બંધ થવાના ભયને કારણે કાચા તેલના ભાવ પ્રતિ બેરલ 107 ડોલરને પાર કરી ગયા છે. મોંઘા ઈંધણને કારણે એરલાઈન્સના નફામાં મોટું નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ફ્લાઈટ્સની સંખ્યામાં કાપ મૂકવો એ વ્યવસાયિક રીતે પણ જરૂરી બની ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *