
અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ શરૂ થયા બાદ સરકાર દર શુક્રવારે રાત્રે પેટ્રોલિયમના ભાવમાં ફેરફાર કરી રહી છે. આ જ ક્રમમાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ બાદ દુનિયાભરમાં તેલ સંકટની સ્થિતિ ઉભી થઈ છે. આ દરમિયાન પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ભાવ ઘટાડા બાદ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 409.78 રૂપિયા અને હાઈ-સ્પીડ ડીઝલનો ભાવ પ્રતિ લિટર 409.58 રૂપિયા થયો છે.
પાકિસ્તાન સરકાર અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ શરૂ થયા બાદથી દર શુક્રવારે રાત્રે પેટ્રોલિયમના ભાવમાં ફેરફાર કરી રહી છે. ગયા અઠવાડિયે સરકારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 14.92 રૂપિયા અને હાઈ-સ્પીડ ડીઝલમાં 15 રૂપિયાનો વધારો મંજૂર કર્યો હતો. યુદ્ધ શરૂ થયા બાદ 6 માર્ચે સરકારે સૌથી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 55 રૂપિયાનો મોટો વધારો કર્યો હતો. ત્યારબાદ 9 માર્ચે ખર્ચ ઘટાડવા માટે કેટલાક કડક પગલાંની પણ જાહેરાત કરવામાં આવી હતી.

ભારતમાં પેટ્રોલ -ડિઝલ 3 રૂપિયા મોંઘુ
બીજી તરફ ભારતમાં સરકારી તેલ કંપનીઓએ ચાર વર્ષ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો છે. શુક્રવારે બંને ઈંધણના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એપ્રિલ 2022 બાદથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર હતા. જોકે માર્ચ 2024માં લોકસભા ચૂંટણી પહેલા બંને ઈંધણના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
આસામ, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ 16 દિવસ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. મતદાન દરમિયાન પશ્ચિમ એશિયા સંકટને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધી રહ્યા હોવા છતાં ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. તેલ કંપનીઓ ચૂંટણી પહેલા પેટ્રોલ પર પ્રતિ લિટર 14 રૂપિયા, ડીઝલ પર 42 રૂપિયા અને એલપીજી પર 674 રૂપિયા સુધીનું નુકસાન સહન કરી રહી હતી.
વૈશ્વિક તેલ સંકટ વચ્ચે બહાર આવેલા એક રિપોર્ટ અનુસાર ભારતની સરખામણીએ ઘણા દેશોમાં ઈંધણના ભાવમાં વધુ વધારો થયો છે. રિપોર્ટ મુજબ મ્યાનમારમાં પેટ્રોલ 89.7 ટકા અને ડીઝલ 112.7 ટકા સુધી મોંઘું થયું છે. જ્યારે મલેશિયા, પાકિસ્તાન, યુએઈ અને અમેરિકામાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 40થી 80 ટકા સુધીનો વધારો નોંધાયો છે. તેના મુકાબલે ભારતમાં વધારો ઓછો માનવામાં આવી રહ્યો છે.
