
શનિવારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો થયો નથી. છેલ્લો વધારો માર્ચમાં થયો હતો, જ્યારે ભાવ ₹60 હતો.
ભારતમાં શનિવારે LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલની સાથે સાથે ઘરેલુ અને કોમર્શિયલ LPG સિલિન્ડરના દર પણ જાહેર થયા, પરંતુ આ વખતે ઘરેલુ ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકારે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. છેલ્લા વખત માર્ચ મહિનામાં ઘરેલુ સિલિન્ડરના ભાવમાં ₹60નો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારથી અત્યાર સુધી ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. જોકે બીજી તરફ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

દેશના મોટા શહેરોના ભાવ
દેશના મોટા શહેરોમાં ઘરેલુ LPG સિલિન્ડરના નવા દર મુજબ દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમત ₹913 છે. કોલકાતામાં ગ્રાહકોને ₹939 ચૂકવવા પડશે, જ્યારે મુંબઈમાં ભાવ ₹912.50 રાખવામાં આવ્યો છે. ચેન્નાઈમાં LPG સિલિન્ડર ₹928.50માં મળી રહ્યો છે. ગુરુગ્રામમાં ₹921.50, નોઈડામાં ₹910.50 અને બેંગલુરુમાં ₹915.50ના દરે ઘરેલુ સિલિન્ડર ઉપલબ્ધ છે. હૈદરાબાદમાં સૌથી વધુ ₹965નો ભાવ નોંધાયો છે, જ્યારે પટનામાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત ₹1002.50 સુધી પહોંચી ગઈ છે. લખનૌમાં ₹950.50 અને તિરુવનંતપુરમમાં ₹922ના દરે ગ્રાહકોને સિલિન્ડર મળી રહ્યા છે.
કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ
કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવની વાત કરીએ તો તેમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નવી દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3076.50 સુધી પહોંચી ગયો છે. કોલકાતામાં ₹3202, મુંબઈમાં ₹3024 અને ચેન્નાઈમાં ₹3237ના દરે સિલિન્ડર વેચાઈ રહ્યા છે. હૈદરાબાદમાં સૌથી વધુ ₹3315નો ભાવ નોંધાયો છે, જ્યારે પટનામાં કોમર્શિયલ સિલિન્ડર ₹3346.50માં મળી રહ્યો છે. વેપારીઓ અને હોટલ ઉદ્યોગ માટે આ વધતા ભાવ ચિંતાનો વિષય બન્યા છે.
ભારત માટે રાહતના સમાચાર
આ વચ્ચે ભારત માટે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, બે LPG ટેન્કર ‘Symi’ અને ‘NV Sunshine’ હોર્મુઝ સ્ટ્રેટ સફળતાપૂર્વક પાર કરી ચૂક્યા છે. આ ટેન્કરો 13 અને 14 મેના રોજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા હતા અને 16 તથા 18 મેના રોજ ભારતીય બંદરો પર પહોંચવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ભારત તેની લગભગ તમામ LPG જરૂરિયાત માટે આયાત પર નિર્ભર છે અને તેમાં પણ લગભગ 90 ટકા ગેસ ગલ્ફ દેશોમાંથી આવે છે. હાલમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટ પ્રભાવિત થયું હતું, જેના કારણે LPG સપ્લાયને લઈને ચિંતા વધી ગઈ હતી. હવે આ ટેન્કરોના આગમનથી સપ્લાય સ્થિતિમાં રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કાળાબજારને રોકવા માટે નવા નિયમો
સરકારે LPG સિલિન્ડરના કાળાબજારને રોકવા માટે નવા નિયમો પણ અમલમાં મૂક્યા છે. 1 મેથી OTP વગર LPG સિલિન્ડર આપવામાં આવશે નહીં. સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ અને શહેરી વિસ્તારોમાં 25 દિવસ પહેલાં ફરીથી LPG સિલિન્ડર બુક નહીં કરી શકાય. સરકારનું માનવું છે કે આ નિયમો કાળાબજાર અને ગેરકાયદેસર વેચાણ રોકવામાં મદદરૂપ બનશે. નોંધનીય છે કે માર્ચ મહિનાથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં લગભગ 47 ટકા સુધીનો વધારો નોંધાયો છે. છેલ્લા વધારામાં કોમર્શિયલ સિલિન્ડર પર ₹993 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં છેલ્લે ₹60નો વધારો થયો હતો. હાલ ભાવમાં વધારો ન થતાં સામાન્ય લોકો માટે થોડી રાહતની લાગણી જોવા મળી રહી છે.
