
Amit Shah In Gujarat : પ્રવાસના પ્રથમ દિવસે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યો અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકો યોજાશે… અહીં જાણો તમામ વિગતો
Amit Shah In Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદનો તેમનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ અનેક મહત્વપૂર્ણ વિકાસકાર્યો, સમીક્ષા બેઠકો અને લોકકલ્યાણલક્ષી કાર્યક્રમોથી વ્યસ્ત રહેવાનો છે. અમદાવાદ અને ગાંધીનગર કેન્દ્રિત આ પ્રવાસ દરમિયાન તેઓ વિકાસ પ્રકલ્પોની સમીક્ષા સાથે સંગઠનાત્મક બેઠકોમાં પણ ભાગ લેશે.
પ્રવાસના પ્રથમ દિવસે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યો અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકો યોજાશે. ‘ગાંધીનગર લોકસભા-હરિયાળી લોકસભા’ અભિયાન હેઠળ વૃક્ષારોપણની કામગીરીની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. સાથે જ SG હાઇવેના નવીનીકરણ અને તળાવોના ઇન્ટરલિંકિંગ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની હાલની સ્થિતિ અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા થશે.
આ ઉપરાંત ગાંધીનગર અને માણસા વિસ્તારમાં ચાલી રહેલા GUDC સહિતના વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા પણ કરવામાં આવશે. જાહેર આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે સરકારી હોસ્પિટલોના કામકાજ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક યોજાશે. આરોગ્ય સુવિધાઓમાં ગુણવત્તા અને સુલભતા વધારવા અંગે ખાસ ચર્ચા થવાની સંભાવના છે.
સામાજિક અભિયાનોને પ્રોત્સાહન આપવા માટે ‘રમશે બાળક-ખીલશે બાળક’ અભિયાન સાથે જોડાયેલા કાર્યકરો અને સંગઠનના પ્રતિનિધિઓ સાથે પણ અમિત શાહ ચર્ચા કરશે. બાળકોના સર્વાંગી વિકાસ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતું આ અભિયાન હાલમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ખાસ ચર્ચામાં છે. સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે શુભેચ્છા મુલાકાત અને સંવાદ કાર્યક્રમ યોજાશે. જેમાં ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી અને નારણપુરા વિસ્તારના કોર્પોરેટરો હાજર રહેશે.
પ્રવાસના બીજા દિવસે અમદાવાદના ત્રાગડ ખાતે નિર્મિત આધુનિક IT અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ‘મિલિયન માઈન્ડ્સ ટેક પાર્ક’નું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉપરાંત ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે મધુર ડેરીના અદ્યતન પ્લાન્ટનું લોકાર્પણ પણ તેમના હસ્તે થશે. સાથે જ ગાંધીનગર ઇન્ફોસિટી ખાતે NID ના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર સહિત અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે.
