
CBSE બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મોટો અને રાહતભર્યો નિર્ણય લીધો છે. હવે ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ સાબિત થશે તો વિદ્યાર્થીઓને ચૂકવેલી ફી પણ પરત મળશે.
CBSE બોર્ડ દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સંબંધિત પ્રક્રિયાઓમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડે માર્ક વેરીફિકેશન, પુનઃમૂલ્યાંકન અને જવાબ પત્રિકા સ્કેન કોપી મેળવવાની ફીમાં નોંધપાત્ર ઘટાડો જાહેર કર્યો છે. સાથે જ હવે જો જવાબ પત્રિકા ચકાસણી દરમિયાન કોઈ ભૂલ સામે આવશે અને તેમાં સુધારો કરાશે, તો વિદ્યાર્થીએ ચૂકવેલી ફી પણ પરત આપવામાં આવશે. બોર્ડનો આ નિર્ણય લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત સમાન માનવામાં આવી રહ્યો છે.

પહેલા 700 રૂપિયા ફી ચૂક્વવી પડતી
અગાઉ વિદ્યાર્થીઓને પોતાની જવાબ પત્રિકાની સ્કેન કોપી મેળવવા માટે 700 રૂપિયા ફી ચૂકવવી પડતી હતી, પરંતુ હવે આ ફી ઘટાડીને માત્ર 100 રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત, જવાબ પત્રિકાના કુલ માર્ક્સ વેરીફાઈ કરાવવા માટે અગાઉ 500 રૂપિયા લેવામાં આવતા હતા, જે હવે માત્ર 100 રૂપિયા રહેશે. પુનઃમૂલ્યાંકન માટે પણ પ્રતિ પ્રશ્ન 100 રૂપિયાની જગ્યાએ હવે માત્ર 25 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓને થશે ફાયદો
CBSE બોર્ડના આ નિર્ણયથી ખાસ કરીને તે વિદ્યાર્થીઓને ફાયદો થશે જેઓ પોતાના પરિણામ અંગે શંકા ધરાવતા હોય અને પુનઃચકાસણી માટે મોટી રકમ ખર્ચવામાં અસમર્થ હોય. હવે ઓછી ફીમાં વિદ્યાર્થીઓ પોતાની જવાબ પત્રિકા ચકાસણી કરાવી શકશે. જો ચકાસણી દરમિયાન કોઈ પ્રશ્નમાં માર્કિંગ ભૂલ અથવા ગણતરીમાં ગડબડ સામે આવશે અને તેમાં સુધારો થશે, તો વિદ્યાર્થીએ ભરેલી 25 રૂપિયાની ફી પણ પરત આપવામાં આવશે.
નિષ્ણાતોનો મત
શૈક્ષણિક નિષ્ણાતોના મત મુજબ, બોર્ડનો આ નિર્ણય પારદર્શિતા વધારશે અને વિદ્યાર્થીઓમાં વિશ્વાસ મજબૂત બનાવશે. અત્યાર સુધી ઘણા વિદ્યાર્થીઓ ઊંચી ફીના કારણે પુનઃમૂલ્યાંકન માટે અરજી કરતા નહોતા, પરંતુ હવે વધુ વિદ્યાર્થીઓ પોતાના પરિણામની યોગ્ય ચકાસણી કરાવી શકશે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કોલેજ એડમિશન માટે દરેક માર્ક મહત્વનો હોય છે, ત્યારે આ નિર્ણય વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. વાલીઓએ પણ CBSE બોર્ડના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેઓનું કહેવું છે કે પરીક્ષા પછી જો કોઈ ભૂલ થઈ હોય તો વિદ્યાર્થીઓને ન્યાય મળવો જરૂરી છે અને હવે ઓછી ફીમાં આ પ્રક્રિયા સરળ બનશે. બોર્ડ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય દેશભરના લાખો વિદ્યાર્થીઓ માટે એક સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યો છે.
