
મસ્તી અને ઓવરસ્પીડિંગ કેવી રીતે પળવારમાં જીવલેણ સાબિત થઈ શકે તેનું ચેતવણીરૂપ ઉદાહરણ મહીસાગરમાં સામે આવ્યું છે. એક યુવકે છેલ્લી ક્ષણે સીટબેલ્ટ બાંધ્યો અને એ જ નિર્ણય તેનો જીવ બચાવવાનો કારણ બન્યો.
મહીસાગર જિલ્લામાં કડાણા થી સંતરામપુર જતાં માર્ગ પર થયેલો ગંભીર અકસ્માત હવે દરેક વાહનચાલકો માટે મોટો સંદેશ બની ગયો છે. થોડા દિવસો પહેલા બનેલી આ ઘટનામાં બે યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે એક યુવકનો જીવ માત્ર સીટબેલ્ટના કારણે બચી ગયો હતો. ઘટનાનો વીડિયો પણ હવે સામે આવ્યો છે, જેમાં કારમાં બેઠેલા યુવકો મસ્તી કરતા અને ઓવરસ્પીડમાં કાર દોડાવતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો માટે ચેતવણીરૂપ બની ગયો છે.
સવાર યુવકો જાહેર માર્ગ પર લગાવતા હતા રેસ
મળતી માહિતી અનુસાર, બે કારમાં સવાર યુવકો જાહેર માર્ગ પર રેસ લગાવી રહ્યા હતા. કારમાં બેઠેલા મિત્રો માટે ઝડપ માત્ર મસ્તી બની ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેટલાક યુવકો કારની અંદર મજા કરી રહ્યા હતા, જ્યારે એક યુવક વારંવાર ડ્રાઇવરને ધીમે ગાડી ચલાવવાની સલાહ આપતો હતો. ડ્રાઇવરની બાજુમાં બેઠેલા યુવકે થોડા સેકન્ડ પહેલા જ સીટબેલ્ટ બાંધી હતી. તે દરમિયાન કાર બેકાબૂ બની ગઈ અને રસ્તા કિનારે આવેલા ઝાડ સાથે જોરદાર અથડાઈ ગઈ.
અકસ્માતના કારણે કારના કચડા ઉડી ગયા
અકસ્માત એટલો ભયાનક હતો કે કારના કચડા ઉડી ગયા હતા. ઘટનાસ્થળે જ બે યુવકોના મોત થયા હતા, જ્યારે અન્ય યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. જોકે, ડ્રાઇવરની બાજુમાં બેઠેલા યુવકનો સીટબેલ્ટ બંધાયેલો હોવાથી એરબેગ ખુલ્યા અને તેનો જીવ બચી ગયો. આ સમગ્ર ઘટના હવે લોકો માટે જીવ બચાવતી સીટબેલ્ટની મહત્વતા સમજાવી રહી છે.

સીટબેલ્ટ પહેરવાની અપીલ
ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર લોકોને સીટબેલ્ટ પહેરવાની અપીલ કરવામાં આવે છે, પરંતુ ઘણા લોકો તેને ગંભીરતાથી લેતા નથી. મહીસાગરની આ ઘટના એ સાબિત કરે છે કે માત્ર એક સેકન્ડ પહેલા બાંધેલો સીટબેલ્ટ પણ જીવ બચાવી શકે છે. જો કારમાં બેઠેલા તમામ યુવકો સીટબેલ્ટ પહેર્યા હોત અને ઓવરસ્પીડિંગ ન કર્યું હોત તો કદાચ આ ગંભીર અકસ્માત ટાળી શકાયો હોત.
આ માર્ગ પર ધણી વખત અકસ્માત સર્જાયા
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ માર્ગ પર ઘણી વખત વાહનચાલકો ઓવરસ્પીડમાં વાહન દોડાવતા જોવા મળે છે. ખાસ કરીને યુવાઓમાં રેસિંગ અને સ્ટંટ કરવાની હોડ વધી રહી છે, જે અન્ય લોકોના જીવન માટે પણ જોખમરૂપ બની રહી છે. પોલીસે પણ લોકોને જાહેર માર્ગ પર રેસિંગ ન કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. આ અકસ્માત માત્ર એક ઘટના નથી, પરંતુ દરેક વાહનચાલક માટે મોટો સંદેશ છે કે માર્ગ પર થોડી બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે. ઝડપ અને મસ્તી વચ્ચે સુરક્ષાને ક્યારેય અવગણવી જોઈએ નહીં. સીટબેલ્ટ અને ટ્રાફિક નિયમો માત્ર નિયમો નથી, પરંતુ જીવન બચાવવાના મહત્વપૂર્ણ સાધનો છે.
