Friday, June 19News That Matters

ગુજરાત / જામનગરમાં વિદેશ મોકલવાના નામે કરોડોની છેતરપિંડીનો ભંડાફોડ, મોટું રેકેટ ઝડપાયું

વિદેશ મોકલવાની લાલચ આપીને લોકો સાથે લાખોની છેતરપિંડી કરતું એક મોટું રેકેટ જામનગર પોલીસે બહાર પાડ્યું છે. રાજકોટથી ઝડપાયેલા મુખ્ય આરોપી પાસેથી અનેક પાસપોર્ટ અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આજના સમયમાં લોકોને વિદેશ જવા માટે અનેક સસ્તા વિકલ્પ પસંદ કરતા હોય છે. ત્યારે તેના કારણે વિદેશ લઇ જવાની લાલચ આપની ફ્રોડ કંપનીઓ વધી રહી છે. તો જામનગર પોલીસે વિદેશ મોકલવાના નામે છેતરપિંડી આચરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર કૌભાંડમાં લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના પાસપોર્ટ પણ પરત આપવામાં આવ્યા નહોતા. પોલીસે આ કેસમાં મુખ્ય સૂત્રધાર રાજેન્દ્ર રાજગોરની રાજકોટમાંથી ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી પાસેથી કુલ 25 પાસપોર્ટ અને અંદાજે 6.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ વિસ્તારમાં રહેતા લોકોને લાલચ

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓએ ખાસ કરીને દ્વારકા અને પોરબંદર વિસ્તારમાં રહેતા લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી હતી. વિદેશમાં સારી નોકરી અને ઊંચી આવકના સપના બતાવીને લોકો પાસેથી મોટી રકમ વસૂલવામાં આવતી હતી. લોકો પાસેથી પાસપોર્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો લેવામાં આવ્યા બાદ આરોપીઓ સંપર્ક તોડી દેતા હતા. અનેક લોકો લાંબા સમય સુધી પોતાના પાસપોર્ટ અને પૈસા માટે ચક્કર કાપતા રહ્યા હતા.

મામલે અનેક ફરિયાદો મળ્યા બાદ તપાસ શરૂ

જામનગર પોલીસને આ મામલે અનેક ફરિયાદો મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે રાજકોટ સુધી પહોંચીને મુખ્ય આરોપી રાજેન્દ્ર રાજગોરને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન વધુ બે આરોપીઓના નામ સામે આવ્યા છે, જેમાં નિઝામ યુસુફ સમા અને રીજવાના સોરાનો સમાવેશ થાય છે. બંને આરોપીઓ હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

વિદેશ મોકલવાના બહાને લોકોનો વિશ્વાસ જીતતા

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ વિદેશ મોકલવાના બહાને લોકોનો વિશ્વાસ જીતતા હતા અને ત્યારબાદ તેમની સાથે છેતરપિંડી કરતા હતા. આરોપીઓએ કેટલા લોકોને નિશાન બનાવ્યા છે અને કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે તેની પણ વિગતવાર તપાસ ચાલી રહી છે. આ સમગ્ર કૌભાંડ પાછળ વધુ લોકો સંડોવાયેલા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નોંધાયેલ એજન્સીઓનો જ સંપર્ક કરવો જોઈએ

જામનગર પોલીસે લોકોને ચેતવણી આપી છે કે વિદેશ મોકલવાના નામે કામ કરતી કોઈપણ એજન્સી કે એજન્ટને રૂપિયા આપતા પહેલા તેમની સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે. ખાસ કરીને પાસપોર્ટ અને અન્ય મહત્વના દસ્તાવેજો કોઈ અજાણ્યા વ્યક્તિને સોંપતા પહેલા સાવચેતી રાખવી જોઈએ. પોલીસે કહ્યું છે કે આવી છેતરપિંડીથી બચવા માટે માત્ર અધિકૃત અને નોંધાયેલ એજન્સીઓનો જ સંપર્ક કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *