Friday, June 19News That Matters

પશ્ચિમ બંગાળ / મહિલાઓને દર મહિને ₹3000 અને બસમાં ફ્રી મુસાફરી, સુવેન્દુ સરકારના 5 મોટા એલાન

પશ્ચિમ બંગાળમાં સરકારની રચના થયા બાદ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી એક પછી એક સતત મોટા નિર્ણયો લઈ રહ્યા છે. સોમવારે ફરી એકવાર સીએમ શુભેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યની જનતા માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે, જેમાં મહિલાઓ માટે ‘અન્નપૂર્ણા યોજના’ હેઠળ દર મહિને ૩,૦૦૦ રૂપિયા અને સરકારી બસોમાં મફત મુસાફરી જેવી મોટી યોજનાઓ સામેલ છે.

ક્યારથી મળશે આર્થિક સહાય?

સોમવારે મળેલી સુવેન્દુ કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો પર મહોર મારવામાં આવી છે. રાજ્ય સરકારના મંત્રી અગ્નિમિત્રા પૌલે કહ્યું કે, કેબિનેટ બેઠકમાં ‘અન્નપૂર્ણા યોજના’ને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને 1 જૂન ૨૦26થી દર મહિને 3,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. આ સાથે પશ્ચિમ બંગાળ કેબિનેટે 1 જૂનથી સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીને પણ લીલી ઝંડી આપી દીધી છે.

સાતમા રાજ્ય પગાર પંચને મંજૂરી

મંત્રી અગ્નિમિત્રા પૌલે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળની ભાજપ સરકારે પોતાના કર્મચારીઓ, સંબધિત વૈધાનિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે સાતમા રાજ્ય પગાર પંચ (7th State Pay Commission)ના ગઠનને પણ મંજૂરી આપી દીધી છે. આ સાથે જ ધાર્મિક વર્ગીકરણના આધારે વિવિધ જૂથોને આપવામાં આવતી સરકારી સહાય જૂન મહિનાથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. 

અગ્નિમિત્રા પૌલે વધુમાં ઉમેર્યું કે, સીએએ (CAA) હેઠળ નાગરિકતા માટે અરજી કરનારા અને મતદાર યાદીમાં સામેલ થવા માટે રચાયેલા ટ્રિબ્યુનલના સભ્યોને પણ ‘અન્નપૂર્ણા’ યોજનાનો લાભ મળશે. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળની ભાજપ સરકાર ઓબીસી (OBC) કેટેગરી અંગે હાઈકોર્ટે આપેલા નિર્ણયના આધારે જ આગળની કાર્યવાહી કરશે. આ ઉપરાંત બંગાળમાં સામાન્ય જનતા માટે નવી ઈલેક્ટ્રિક બસો લાવવામાં આવશે. વહીવટી કામગીરીને વેગ આપવા માટે હવે રાજ્યમાં દર 15 દિવસે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *