Wednesday, June 17News That Matters

ગુજરાત / સાસણ ગીર અને ગિરનાર સફારી 4 મહિના માટે બંધ, વન વિભાગનો મોટો નિર્ણય

સાસણ ગીર અને ગિરનાર જંગલમાં ફરવા જતાં પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગે આજ સાંજથી બંને જંગલ સફારીને આગામી ચાર મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે

સાસણ ગીર અને ગિરનાર જંગલમાં ફરવા અને એશિયાટિક સિંહોના દર્શન કરવા જતાં પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગ દ્વારા આજ સાંજથી સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી આગામી ચાર મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ હવે 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે સિંહ દર્શન પણ બંધ રહેશે. દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન લેવામાં આવતો આ નિર્ણય વન્યજીવોની સુરક્ષા, કુદરતી પ્રક્રિયાઓના સંરક્ષણ અને પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે.

ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા

વન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેતી હોવાથી સફારી માર્ગો પર અસર થાય છે. ખાસ કરીને જંગલના કાચા રસ્તાઓ ભારે વરસાદના કારણે ધોવાઈ જવાની સ્થિતિ સર્જાય છે. જેના કારણે વાહનોની અવરજવર જોખમી બની શકે છે. આ પરિસ્થિતિમાં પ્રવાસીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે સફારી સેવાઓને અસ્થાયી રીતે બંધ રાખવામાં આવે છે.

રાવલ નદીઓમાં ચોમાસા દરમિયાન ઘોડાપૂર

સાસણ ગીર અને ગિરનાર જંગલ વિસ્તારમાં વહેતી હિરણ, શિંગોડા, મચ્છુન્દ્રી અને રાવલ નદીઓમાં ચોમાસા દરમિયાન ઘોડાપૂર આવવાની સંભાવના રહે છે. નદીઓમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં જંગલના અનેક વિસ્તારોમાં જોખમ ઊભું થાય છે. આવી સ્થિતિમાં સફારી માટે જતા વાહનો અને પ્રવાસીઓની સુરક્ષા જાળવવી મુશ્કેલ બની શકે છે. તેથી વન વિભાગ દ્વારા પૂર્વ સાવચેતીના ભાગરૂપે સફારી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વન્યજીવો માટે પણ અત્યંત મહત્વપૂર્ણ

ચોમાસાની ઋતુ વન્યજીવો માટે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જંગલમાં કુદરતી પ્રક્રિયાઓ સક્રિય રહે છે અને અનેક પ્રાણીઓ માટે પ્રજનન તેમજ વસવાટનો મહત્વનો સમય હોય છે. વન્યજીવોને કોઈપણ પ્રકારની માનવીય ખલેલ ન પહોંચે અને જંગલનું કુદરતી સંતુલન જળવાઈ રહે તે માટે પણ સફારી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

વન વિભાગ દ્વારા દર વર્ષે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચાર માસનું વેકેશન જાહેર કરવામાં આવે છે. આ વર્ષે પણ એ જ પરંપરા મુજબ આજ સાંજથી સાસણ ગીર અને ગિરનાર જંગલમાં વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. હવે આગામી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ સિંહ દર્શનનો લાભ લઈ શકશે નહીં. ચોમાસું પૂર્ણ થયા બાદ માર્ગોની સ્થિતિ અને સુરક્ષાની સમીક્ષા કર્યા પછી સફારી ફરી શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *