
‘બાઘા’ તરીકે ઘેરઘેર ઓળખાય છે તન્મય વેકરિયા
આજે તન્મય વેકરિયા ઘેરઘેર જાણીતા કલાકાર છે, પરંતુ આ સફળતા તેમને સરળતાથી મળી નહોતી. ગ્રેજ્યુએશન બાદ લાંબા સમય સુધી તેમને કામ મળતું નહોતું અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરિવારની જવાબદારીઓ વચ્ચે તેમણે નોકરી પણ કરી અને અભિનયનું સપનું પણ જીવંત રાખ્યું. વર્ષો સુધીના સંઘર્ષ બાદ તેમને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બાઘાનું પાત્ર મળ્યું, જેણે તેમનું જીવન બદલી નાખ્યું.

અભિનયનો શોખ બાળપણથી જ હતો
તન્મય વેકરિયાના પિતા અરવિંદ વેકરિયા ગુજરાતી થિયેટરના જાણીતા કલાકાર હતા. બાળપણથી જ પિતાને મંચ પર અભિનય કરતા જોઈને તન્મયને પણ અભિનયમાં રસ પડ્યો હતો. તેમણે 1999માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ અભિનય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો. તેઓ સતત ઓડિશન આપતા અને પ્રોડક્શન હાઉસમાં પોર્ટફોલિયો આપતા રહ્યા, પરંતુ શરૂઆતમાં સફળતા મળી નહોતી. આ સમયગાળો તેમના માટે ખૂબ જ પડકારજનક રહ્યો હતો.

માત્ર 700 રૂપિયાની નોકરીથી કરી હતી શરૂઆત
અભિનય ક્ષેત્રમાં કામ ન મળતાં પરિવારની જવાબદારીઓ વધવા લાગી હતી. પિતાની આવક મર્યાદિત હોવાથી તેમણે તન્મયને સ્થિર નોકરી કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ તન્મયે પોતાના કાકા સાથે કામ શરૂ કર્યું અને તેમની પહેલી સેલેરી માત્ર 700 રૂપિયા હતી. આ સાથે તેમને સેકન્ડ ક્લાસ ટ્રેન પાસ પણ મળતો હતો. નોકરીની સાથે તેઓ પાર્ટ-ટાઈમ થિયેટર પણ કરતા રહ્યા હતા.

થિયેટરમાં નિષ્ફળતા છતાં હાર માની નહીં
તન્મય જે નાટકોમાં કામ કરતા હતા તે દર્શકોને ખાસ પસંદ આવતા નહોતા. સતત નિષ્ફળતા મળતા તેમણે થિયેટર છોડવાનો નિર્ણય પણ કરી લીધો હતો. એવામાં અભિનેતા દિલીપ જોશીએ તેમને એક નાટકમાં નાનું પાત્ર આપ્યું હતું.આ તક તેમના માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. ત્યારબાદ તેમને દિશા વાકાણી સાથે પણ કામ કરવાની તક મળી હતી.

લગ્ન અને પરિવાર વચ્ચે સંઘર્ષભર્યું જીવન
તે સમયે તન્મય લગભગ 30 વર્ષના હતા અને લગ્ન પણ થઈ ચૂક્યા હતા. તેમની એક દીકરી હતી અને પરિવારની તમામ જવાબદારીઓ તેમના ખભા પર હતી. ઓછી આવકમાં માતા-પિતા અને દીકરીનું ભરણપોષણ કરવું સરળ નહોતું. આર્થિક મુશ્કેલીઓ છતાં તેમણે પોતાના સપનાઓનો પીછો છોડ્યો નહોતો.તેમની મહેનત અને ધીરજ આખરે રંગ લાવી હતી.

‘બાઘા’ના પાત્રએ બદલી નાખ્યું જીવન
ગુજરાતી ટીવી અને નાના રોલ્સ કર્યા બાદ તન્મયને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ મળ્યું હતું. શરૂઆતમાં બાઘાનું પાત્ર માત્ર કિમિયા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ દર્શકોને આ પાત્ર ખૂબ જ ગમ્યું અને તે શોનો સ્થાયી ભાગ બની ગયું. આસિત મોદી અને દિલીપ જોશીએ પણ શરૂઆતથી જ આ પાત્રની સફળતાનો અંદાજ લગાવી લીધો હતો. આજે બાઘા શોના સૌથી લોકપ્રિય અને પ્રિય પાત્રોમાંનું એક ગણાય છે.
