
Ahmedabad News: અમદાવાદમાં ગીતામંદિર વિસ્તારમાં આવેલી ગો ગેસ એજન્સીમાં લાગેલી આગ શરૂઆતમાં સામાન્ય દુર્ઘટના જણાતી હતી, પરંતુ જેમ જેમ ઘટનાની વિગતો સામે આવતી ગઈ તેમ તેમ નવી જ વાત નીકળી.
Ahmedabad News: અમદાવાદમાં ગીતામંદિર વિસ્તારમાં આવેલી ગો ગેસ એજન્સીમાં લાગેલી આગ શરૂઆતમાં સામાન્ય દુર્ઘટના જણાતી હતી, પરંતુ જેમ જેમ ઘટનાની વિગતો સામે આવતી ગઈ તેમ તેમ નવી જ વાત નીકળી. એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે શહેરમાં અનેક જગ્યાએ ગેસ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે.
અમદાવાદીઓના ઘરે જ્યારે ગેસ સિલિન્ડર આવે છે ત્યારે તેમને વિશ્વાસ હોય છે, પરંતુ તે વાતથી તેઓ અજાણ છે કે તેમની સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો છે. ગ્રાહકોને પહોંચાડવામાં આવતાં કેટલાંક ઘરેલુ સિલિન્ડરમાંથી થોડો થોડો ગેસ કાઢી લેવામાં આવે છે. એક સિલિન્ડરમાંથી બહુ ઓછો ગેસ કાઢવામાં આવતો હોવાથી ગ્રાહકને વજનમાં ખાસ તફાવતનો અંદાજ આવતો નથી, પરંતુ જ્યારે આવાં અનેક સિલિન્ડરમાંથી ગેસ એકત્ર કરવામાં આવે ત્યારે તેમાંથી એક કે તેથી વધુ નવાં સિલિન્ડર તૈયાર થઈ શકે છે. આ જ ગેસ પછી ગેરકાયદે વેચવામાં આવે છે.
ગેસ ચોરીનો ખેલ
આ ગેસ ચોરીનો ખેલ રસ્તા પર નહીં, પરંતુ બંધ દરવાજાઓ પાછળ રમાય છે, જ્યાં ન કોઈ બોર્ડ હોય, ન કોઈ બિલ. માત્ર સિલિન્ડરોની કતાર, ગેસ ટ્રાન્સફર કરતો મોટર પંપ અને મિનિટોમાં જ એક સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરમાં પહોંચતો ગેસ. દરેક ટ્રાન્સફર સાથે વધતો નફો અને વધતું જોખમ.

ગેસ બીજા ગ્રાહકને બમણા ભાવે વેચાય
કેટલાક ગ્રાહકો સુધી પહોંચતાં ઘરેલુ સિલિન્ડરમાંથી થોડો થોડો ગેસ કાઢી લેવામાં આવે છે, જેની ગ્રાહકને કદાચ ખબર પણ પડતી નથી, પરંતુ આવાં અનેક સિલિન્ડરમાંથી ભેગો કરાયેલો ગેસ તે પછી નવાં સિલિન્ડરમાં ભરાય છે અને પછી બ્લેક માર્કેટમાં પહોંચે છે એટલે કે એક ગ્રાહકનો ગેસ બીજા ગ્રાહકને બમણા ભાવે વેચાય છે.
ગેરકાયદે બજારના સૌથી મોટા ગ્રાહકો કોણ?
તપાસ સાથે જોડાયેલાં વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે આ આખો ખેલ કોઈ એક વ્યક્તિનો નથી, જેમાં સિલિન્ડર પહોંચાડનારા, ગેસ ટ્રાન્સફર કરનારા, ખરીદનારા અને વેચનારા, બધાંની કડી જોડાય ત્યારે જ આ ગેરકાયદે વ્યવસાય ચાલે છે. આ ગેરકાયદે બજારના સૌથી મોટા ગ્રાહકો કોણ? શહેરની અનેક હોટલો, રેસ્ટોરાં, ફૂડ લારીઓ અને એવા લોકો જેમને અધિકૃત ગેસ જોડાણ મળતું નથી. સમયસર સિલિન્ડર ન મળતું હોય અથવા વધારે નફાની લાલચ હોય ત્યાંથી શરૂ થાય છે બ્લેક માર્કેટનો રસ્તો.
આખરે બ્લેક માર્કેટ સુધી કેવી રીતે પહોંચે છે.
ગઈ કાલની આગમાં ત્રણ લોકો દાઝ્યા, છ વાહનો બળીને ખાખ થયાં અને અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા, પરંતુ હવે સવાલ માત્ર એટલો નથી કે આગ કેવી રીતે લાગી, પરંતુ સવાલ એ છે કે શું આ આગે શહેરમાં વર્ષોથી ચાલતા ગેરકાયદે ગેસના કાળા કારોબાર પર પ્રકાશ પાડી દીધો? તપાસ હવે આગનાં કારણો પૂરતી મર્યાદિત નહીં રહે. તપાસ એ પણ કરશે કે શહેરમાં ગેસ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, કોના હાથમાંથી પસાર થાય છે અને આખરે બ્લેક માર્કેટ સુધી કેવી રીતે પહોંચે છે.
ઓપરેશન ગેસ
-ગ્રાહકોનાં સિલિન્ડરમાંથી થોડો ગેસ કાઢવામાં આવે છે.
-ગુપ્ત સ્થળે મોટર પંપથી ગેસ ટ્રાન્સફર થાય છે.
-અનેક સિલિન્ડરનો ગેસ ભેગો કરી નવાં સિલિન્ડર તૈયાર થાય છે.
-પછી તે સિલિન્ડર બમણા ભાવે વેચાય છે.
-આખો ખેલ રોકડમાં થતો હોવાની ચર્ચા.
બ્લેક માર્કેટનું ગણિત
-ઘરેલુ સિલિન્ડરનો અધિકૃત ભાવ: રૂ. ૯પ૦
-બ્લેકમાં વેચાણ: રૂ. ર૦૦૦થી રૂ. રપ૦૦
-કોમર્શિયલ સિલિન્ડરનો અધિકૃત ભાવ: રૂ. ૩૧પ૦
-બ્લેકમાં વેચાણ: રૂ. ૪૦૦૦થી રૂ. ૪પ૦૦
-ઘરેલુ સિલિન્ડરમાં ગેસ: ૧૪.ર કિલો
-કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ: ૧૯ કિલો
ગેસ ચોરીના કૌભાંડમાં છુપાયેલાં જીવલેણ જોખમો
નાનકડું લીકેજ પણ ભયંકર વિસ્ફોટ સર્જી શકે છે. મોટર પંપથી ગેસ ટ્રાન્સફર દરમિયાન આગ લાગવાની શક્યતા અનેકગણી વધી જાય છે. એક ચિનગારી કે વીજળીનો સ્પાર્ક સમગ્ર સ્થળને આગની જ્વાળાઓમાં ફેરવી શકે છે. ગેરકાયદે ભરાયેલાં સિલિન્ડરમાં ગેસનું દબાણ અસંતુલિત થઈ શકે છે, જે વિસ્ફોટનું કારણ બની શકે છે. ગેસ લીક થવાથી આસપાસના રહેણાક વિસ્તાર, દુકાનો અને વાહનો પણ જોખમમાં મુકાઈ શકે છે.
ટ્રાન્સફર દરમિયાન ઝેરી ગેસના સંપર્કથી શ્વાસ લેવામાં તકલીફ, બેભાન થવું અથવા ગંભીર ઇજા થઈ શકે છે. સુરક્ષા સાધનો વગર કામ કરતા લોકોના જીવને સતત જોખમ રહે છે. એક જગ્યાએ મોટી સંખ્યામાં સિલિન્ડર રાખવામાં આવે તો આગ લાગે ત્યારે ચેઇન બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય છે.
