
આજે આખી દુનિયાની નજર પશ્ચિમ એશિયાના દેશ ઈરાન પર ટકેલી છે, જ્યાં મોંઘવારી અને બેરોજગારી સામે જનતાનો આક્રોશ હવે લોહિયાળ જંગમાં ફેરવાઈ ગયો છે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા પ્રદર્શનોમાં સ્થિતિ હવે કાબૂ બહાર જઈ રહી છે. ઈરાનના 100 થી વધુ શહેરોમાં હિંસક અથડામણો થઈ રહી છે અને અત્યાર સુધીમાં આ હિંસામાં 8 માસૂમ બાળકો સહિત કુલ 45 લોકોના મોત થયા છે.પ્રદર્શનકારીઓએ રસ્તાઓ બ્લોક કર્યા છે અને ઠેર-ઠેર આગ લગાડી છે. રસ્તાઓ પર “ખામેનેઈને મોત” અને “ઇસ્લામિક રિપબ્લિકનો અંત” જેવા નારા ગુંજી રહ્યા છે. ઈરાનમાં આજે અરાજકતા જેવો માહોલ આજે પ્રત્યક્ષ દેખાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલે સીધી ધમકી આપી છે કે જો ઈરાન સરકાર પોતાના લોકોને મારશે, તો અમેરિકા જોરદાર હુમલો કરશે.ટ્રમ્પની આ ચેતવણી બાદ ઈરાને તેહરાન એરપોર્ટ બંધ કરી દીધું છે અને દેશમાં ઇન્ટરનેટ-ફોન સેવાઓ કાપી નાખી છે. આ ડિજિટલ બ્લેકઆઉટ પાછળ હિંસક દમનની આશંકા સેવાઈ રહી છે. ખાદ્ય પદાર્થોમાં 72 ટકા અને દવાઓમાં 50 ટકાનો તોતિંગ ભાવવધારો થતા સામાન્ય જનતા રસ્તા પર છે અને હવે તેઓ ક્રાઉન પ્રિન્સ રેઝા પહેલવીની વાપસીની માંગ કરી રહ્યા છે. શું ઈરાનમાં ફરી એકવાર સત્તા પરિવર્તન આવશે?
