
Central Jail Inmates to take Board Exams: ગુજરાત બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં યોજાશે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જેલમાં કેદીઓ બોર્ડની પરીક્ષાઓ આપશે. આ વખતે સાબરમતી સેન્ટ્રલ જેલના 24 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે.આવતા મહિને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા યોજાશે, ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં શરૂ થનારી બોર્ડની પરીક્ષા સેન્ટ્રલ જેલના કેદીઓ પણ આપશે.
સાબરમતી જેલના કેદીઓ આપશે બોર્ડની પરીક્ષા
અમદાવાદ સાબરમતી જેલના 15 કેદીઓ ધોરણ-10ની અને 9 કેદીઓ ધોરણ-12ની પરીક્ષા આપશે. ત્યારે શિક્ષણ વિભાગ આ કેદીઓ માટે સેન્ટ્રલ જેલમાં પરીક્ષા કેન્દ્ર ઊભું કરવામાં આવશે. જેલ તંત્ર અને શિક્ષણ વિભાગ સાથે મળીને કેદીઓ માટે પરીક્ષાની વ્યવસ્થા કરશે. જેલમાં બોર્ડની પરીક્ષાની વ્યવસ્થા અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે શાળાઓમાં જે રીતે પરીક્ષા લેવાય છે તેવી જ રીતે જેલમાં પરીક્ષા લેવામાં આવશે.
જેલ પ્રશાસન અને શિક્ષણ વિભાગ કરશે વ્યવસ્થા
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ કહ્યું – ‘દર વર્ષે સાબરમતી સેન્ટ્રલ જેલમાં પરીક્ષાનું ખાસ સેન્ટર રાખવામાં આવે છે. ખાસ કરીને જેલમાં હોય એવા કેદીઓ પણ જો અભ્યાસ કરવા માંગતા હોય, બોર્ડની પરીક્ષા આપવા માંગતા હોય તો તે પ્રકારની વ્યવસ્થા હોય છે. ધોરણ 10માં આ વખતે 15 જેટલા કેદીઓએ ફોર્મ ભર્યા છે અને ધોરણ 12ના 9 જેટલા કેદીઓએ ફોર્મ ભર્યા છે. આગામી સમયમાં તેમની પરીક્ષા બોર્ડની પરીક્ષાની સાથે જે રીતે લેવાય એ રીતે લેવામાં આવશે. જેલની અંદર જ પરીક્ષા કેન્દ્ર આપવામાં આવશે.’
જેલમાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવાશે
પરીક્ષાની વ્યવસ્થા અંગે જણાવતા તેમણે કહ્યું – ‘જેલમાં આપણી પરીક્ષાની પદ્ધતિ પ્રમાણે જ જેલમાં અંદર પરીક્ષા હોલમાં કેદીઓની પરીક્ષા માટે સુપરવાઇઝર્સ, અને સેન્ટર સંચાલક મૂકવામાં આવે છે, અને પરીક્ષાની વ્યવસ્થા બોર્ડની સૂચનાઓ પ્રમાણે જ કરવામાં આવતી હોય છે.’
