Tuesday, February 17News That Matters

ગ્રીનલેન્ડ પર વિવાદ વકર્યો, ટ્રમ્પે EUના 8 દેશો પર લગાવ્યો 10% ટેરિફ

અમેરિકા ગ્રીનલેન્ડ પર નિયંત્રણ માટે તલપાપડ થઈ રહ્યું છે. તેવામાં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી ઘોષણા કરતાં કહ્યું કે, જ્યાં સુધી અમેરિકાને ગ્રીનલેન્ડ ખરીદીની મંજૂરી નહીં મળે ત્યાં સુધી વિરોધ કરનારા યુરોપના 8 દેશો પર 10 ટકા વધારાનો ટેરિફ લાગશે.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને નિર્ણયની માહિતી આપતા કહ્યું કે આવનાર 1 ફેબ્રુઆરીથી ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ અને યુનાઇટેડ કિંગડમથી આયાત થતા માલ પર 10 ટકાનો વધારાનો ટેરિફ લગાવવામાં આવશે. ત્યારબાદ આ ટેરિફ 1 જૂનથી વધારીને 25 ટકા કરવામાં આવશે અને જ્યાં સુધી કોઈ કરાર ન થાય.

‘ચીનને ગ્રીનલેન્ડ જોઈએ છીએ’

ટ્રમ્પે ટેરિફ ઝીંકતા કહ્યું “વિશ્વ શાંતિ ખતરામાં છે. ચીનને ગ્રીનલેન્ડ જોઈએ છીએ અને ડેનમાર્ક તેના અંગે કંઈ કરી શકતું નથી, આ સંભવિત ખતરનાક પરિસ્થિતિને શક્ય તેટલી ઝડપથી અને શંકા વિના સમાપ્ત કરવા માટે મજબૂત પગલાં લેવા જોઈએ.’

વાતચીત છતાં મતભેદ યથાવત્

આ મુદ્દે અમેરિકા, ડેનમાર્ક અને ગ્રીનલૅન્ડના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે વોશિંગ્ટનમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ સામેલ હતા. બેઠક બાદ ડેનમાર્કના વિદેશ મંત્રી લાર્સ લોકે રાસમુસેને જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે “મૂળભૂત અસહમતિ” યથાવત્ છે. જોકે, મતભેદો છતાં, સંભવિત ઉકેલ શોધવા માટે એક ઉચ્ચ-સ્તરીય કાર્યકારી જૂથની રચના કરવા પર સહમતિ સધાઈ છે. રાસમુસેને સ્પષ્ટ કર્યું કે આ જૂથ અમેરિકાની સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં લેશે, પરંતુ ડેનમાર્કની “રેડ લાઇન્સ”(લક્ષ્મણ રેખા)નું સન્માન કરવું પડશે.

નાટો સભ્યો સાથે સૈન્ય ક્ષમતા વધારશે

ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંએ કહ્યું કે, ફ્રાન્સની સેનાની પહેલી ટૂકડી નીકળી ગઈ છે અને અન્ય સૈનિકો પણ પહોંચશે. જર્મનીના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, જર્મનીએ પણ તેમના સૈનિકોને ગ્રીનલેન્ડ મોકલવા રવાના કર્યા છે. તેઓ ગ્રીનલેન્ડમાં નાટો સભ્યો સાથે સૈન્ય ક્ષમતા વધારશે. નાટોના એક અધિકાર મુજબ નાટો પણ તેના સૈનિકોને આર્કટિકમાં મોકલવા તૈયારી કરી રહ્યું છે.

હવે ટ્રમ્પના ટેરિફ એક્શન બાદ યુરોપિયન દેશો પણ મોટું પગલું ભરી શકે છે. ઘણા મુખ્ય EU દેશોએ ડેનમાર્કને ટેકો જાહેર કર્યો છે અને અમેરિકાને ચેતવણી આપી છે કે જો NATOના કોઈપણ વિસ્તાર પર લશ્કરી કબજો કરશે તો નાટો ગઠબંધનને મોટો ફટકો આપી શકે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *