
Junagadh Stray Dogs: જૂનાગઢના બિલખા ગામે રખડતાં શ્વાનના આતંકની ઘટના સામે આવી છે, અહીં પાંચ જેટલા રખડતાં શ્વાને 6 વર્ષીય બાળકને બચકાં ભરીને ઇજા પહોંચાડી.
જૂનાગઢના બિલખા ગામમાં રખડતા શ્વાનોએ એક નાના બાળક પર હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. પાંચ જેટલા શ્વાને માત્ર 6 વર્ષના બાળકને બચકાં ભર્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ ગામમાં રખડતા શ્વાનના આતંકને લઈને લોકોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે.
5 જેટલા શ્વાને બાળકને ભર્યાં બચકાં
માહિતી પ્રમાણે, અચાનક પાંચ જેટલા રખડતા શ્વાનોએ બાળક પર હુમલો કરી દીધો. શ્વાનોએ બાળકને ખતરનાક રીતે બચકાં ભરીને બાળકને ઘાયલ કરી દીધું. પરિવારજનોની બૂમોથી શ્વાન ત્યાંથી ભાગી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.
ઈજાગ્રસ્ત બાળકને કરાયો દાખલ
ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક બિલખા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર બાદ બાળકની હાલત સ્થિર થતાં તેને હાલ રજા આપવામાં આવી છે.
શ્વાન પર નિયંત્રણ લાવવા માગ
આ ઘટના બાદ ગામના લોકોએ રખડતા શ્વાન પર નિયંત્રણ લાવવાની માંગ કરી છે. બાળકના પરિવારજનોએ જણાવ્યું કે ગામમાં રખડતા શ્વાનોની સંખ્યા વધી રહી છે અને આ શ્વાન લોકો માટે જોખમ બન્યા છે. તેમણે સ્થાનિક વહીવટીતંત્રને રખડતા શ્વાનો સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે.
