
વાવ-થરાદ જિલ્લાના સૂઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકનું પ્રેમ સબંધની અદાવત રાખી અપહરણ કરવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.
વાવ-થરાદ જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમ સંબંધને લઈ ઊભી થયેલી અદાવત એક ગંભીર બનાવમાં ફેરવાઈ છે. મળતી માહિતી મુજબ, ત્રણ શખસોએ પૂર્વ આયોજન હેઠળ ફિલ્મી ઢબે એક યુવકને રસ્તામાં અટકાવી તેનો અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર સક્રિય બની ગયું છે અને ફરિયાદના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને યુવકને સુરક્ષિત રીતે શોધી કાઢવા માટે પોલીસ દ્વારા તત્કાલ પગલાં લેવામાં આવી રહ્યા છે.
અપહરણ કેસમાં 3 સામે FIR
બનાસકાંઠા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુઈગામ તાલુકાના ખડોલ ગામના રહેવાસી લાલજીભાઈ કલાભાઈ દ્વારા નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ, તેમનો દીકરો હિતેશ 29 એપ્રિલ, 2026ના રોજ સવારે પોતાના મિત્ર હિતેશ પટેલ સાથે એક્ટિવા પર ભાભર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન એટા ચોકડી નજીક સિલ્વર રંગની બલેનો કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખસોએ તેમનો રસ્તો અટકાવી તેમને રોક્યા હતા. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી છે અને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યુ અનુસાર હિતેશને ગામમાં જ રહેતી એક યુવતી સાથે પ્રેમ સબંધ હતો. જે બાબતે અગાઉ સામાજિક રીતે સમાધાન થઈ જવા પામ્યું હતું. તેમ છતા યુવતીની પરિવારજનો દ્વારા વેરઝેર રાખી કાવતરૂ ઘડી યુવકનું અપહરણ કરી હિતેશને બળજબરી પૂર્વક ગાડીમાં બેસાડી દીધો હતો.તેમજ તેના મિત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી શખ્શો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આરોપીના નામ
- જગદીશભાઈ ધર્મશીભાઈ સોલંકી (રહે.ઝઝામ, તા.સાંતલપુર)
- પીયૂષભાઈ પથુભાઈ પારેગી (રહે.મોરવાડા, તા.સુઈગામ)
- પ્રવિણભાઈ કરશનભાઈ પારેગી (રહે.મોરવાડા, તા.સુઈગામ)
આ સમગ્ર મામલે સૂઈગામ પોલીસે બીએનએસની કલમ 140(3), 61, 351(2) અને 54 મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
