Friday, June 19News That Matters

Rajkot Hit and Run : નશામાં ધુત બિલ્ડર પુત્રનો તાંડવ, કારથી 5 વાહનોને ટક્કર મારી; મહિલાની હાલત ગંભીર, લોકોએ કર્યો હંગામો

Rajkot News: રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર દારૂના નશામાં ધુત બિલ્ડર પુત્ર ધવલ પીપળીયાએ વોલ્વો કારથી 5 વાહનોને અડફેટે લીધા છે. 5 ઈજાગ્રસ્ત, લોકોએ નબીરાને ફટકાર્યો છે.

રંગીલા ગણાતા રાજકોટમાં ફરી એકવાર નબીરાની બેફામ સ્પીડે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર બાલાજી હોલ પાસે દારૂના નશામાં ચૂર એક બિલ્ડર પુત્રએ પોતાની કારથી ગોઝારો અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 4 કાર અને 1 બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો છે, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

વોલ્વો કાર બની ‘કાળ’

ઘટનાની મળતી માહિતી અનુસાર, બિલ્ડર મહેશભાઈ પીપળીયાનો પુત્ર ધવલ પીપળીયા દારૂના નશામાં ફૂલ હતો, અને પોતાની વોલ્વો કાર પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. બાલાજી હોલ પાસે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા તેણે રસ્તા પર ઉભેલા વાહનોને અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે એકસાથે 4 મોટર કાર અને 1 બાઈકને ભારે નુકસાન થયું હતું.

મહિલાની હાલત ગંભીર, લોકોનો રોષ ફાટી નીકળ્યો

આ અકસ્માતમાં કુલ 5 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જે પૈકી એક મહિલા ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરતા નશામાં ધુત ધવલ પીપળીયાને સ્થળ પર હાજર લોકોએ પકડી પાડ્યો હતો. નશામાં ચૂર હોવાને કારણે ઉશ્કેરાયેલા લોકોએ તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

પોલીસે હાથ ધરી કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આરોપી ધવલ પીપળીયાની અટકાયત કરી હતી. પોલીસે દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવવા અને અકસ્માત સર્જવા બદલ કાયદેસરનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. રાજકોટમાં નબીરાઓના આવા બેફામ વર્તનને લઈને શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *