
ઇલેક્ટ્રિક વાહનોની ડીમાંડ વધી રહી છે પણ રેન્જની ચિંતાનો પણ પડકાર છે. આથી ઇલેક્ટ્રિક મોબીલીટીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દેશભરમાં 4874 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો બનાવશે.
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી છે પરંતુ તેની સામે પડકારો હજુ પણ છે. ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 5.77% સુધી પહોંચી ગયો છે. પણ રેન્જની ચિંતા હજુ પણ દૂર થઈ નથી. આ સ્થિતિમાં સરકારે એક મોટો નિર્ણય લીધો છે જે EV કાર માલિકોની મોટી ચિંતાને દૂર કરશે.
ભારતમાં ઇલેક્ટ્રિક મોબીલીટીને પ્રોત્સાહન આપવા માટે હેવી ઇન્ડસ્ટ્રી મંત્રાલયે ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. જેમાં મંત્રાલય દેશભરમાં 4,874 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરશે. સરકાર આ પ્રોજેક્ટ પર 503.86 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ પ્રોજેક્ટ PM e-Drive યોજનાનો એક હિસ્સો છે.
આ અંગે કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ 12 મેના રોજ બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય રેન્જની ચિંતા દૂર કરવાનો છે. એના માટે સરકાર એક મજબૂત ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ નેટવર્ક વિકસાવવાનો ટાર્ગેટ છે જેનાથી લોકો જ્યારે પણ જરૂર પડે ત્યારે તેમના વાહનો ચાર્જ કરી શકે.
આ ચાર્જિંગ સ્ટેશનો ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, પેસેન્જર કાર, બસો અને હેવી-ડ્યુટી ટ્રક ચાર્જ કરી શકશે. સરકારના જણાવ્યા મુજબ, આ ચાર્જિંગ સ્ટેશનો વિવિધ રાજ્યોમાં યોજના મુજબ બનાવવામાં આવશે. જેમાં કર્ણાટક, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કેરળ, તેલંગાણા અને તમિલનાડુનો સમાવેશ થાય છે.
- EV વધતું પ્રભુત્વ
આ ફંડનો મોટાભાગનો ભાગ કર્ણાટકમાં ખર્ચવામાં આવશે. આ રાજ્યમાં 1,243 ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે જેનો ખર્ચ આશરે 123.66 કરોડ રૂપિયા થશે. જેમાં મુખ્ય પબ્લિક સેકટરના સાહસો પણ આ પ્રોજેક્ટમાં ફાળો આપશે. જેમાં મુખ્ય ઓઈલ કંપનીઓ, જેના તમે પેટ્રોલ પંપ જુઓ છો તે આ ઇન્સ્ટોલેશન પ્રોજેક્ટને લીડ કરશે.
અત્યારની સ્થિતિમાં પેસેન્જર વાહનના માર્કેટમાં EV નો હિસ્સો 5.77% છે. જ્યારે ઇલેક્ટ્રિક વાહનો ટુ-વ્હીલર માર્કેટમાં 7.76% હિસ્સો છે. કોમર્શીયલ વાહન કેટેગરીમાં EV નો હિસ્સો 2.26% છે. EV નો દબદબો થ્રી-વ્હીલર કેટેગરીમાં છે જેનો હિસ્સો 60.38% છે. આ આંકડા એપ્રિલ 2026 સુધીના છે.
