
દ્વારકાના ગોમતી ઘાટ પર જતાં પ્રવાસીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે. ગોમતી ઘાટ પર પ્રવાસીઓની અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ પોલીસ અને ફાયર વિભાગે ઘાટ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
દ્વારકાના પ્રસિદ્ધ ગોમતી ઘાટ પર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા ગોમતી ઘાટ પર પ્રવાસીઓની અવર-જવર તેમજ સ્નાન કરવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વૃદ્ધ વ્યક્તિ દરિયામાં તણાઈ જવાનો વીડિયો વાયરલ થયો હતો
ગત રોજ એક વૃદ્ધ વ્યક્તિ દરિયામાં તણાઈ જવાના ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈને સ્થાનિક તંત્ર, પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. દરિયામાં હાલ ઊંચા મોજાં ઉછળી રહ્યા હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ગોમતી ઘાટ અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને દરિયાકિનારાથી સુરક્ષિત અંતર જાળવવાની અપીલ કરી છે.
ગોમતી ઘાટ પર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે પ્રતિબંધ યથાવત રહેશે
તંત્રના જણાવ્યા અનુસાર દરિયાની પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ગોમતી ઘાટ પર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે પ્રતિબંધ યથાવત રહેશે. લોકોને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને સુરક્ષાને પ્રાથમિકતા આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
